PTC કોલેજોમાં પ્રવેશ પૂરા થયા પણ મેરિટ યાદી જાહેર ન કરાતાં વિવાદ

પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, રાજયમાં પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટે પીટીસી કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા બાદ જુદી જુદી કોલેજોએ ફાળવેલા પ્રવેશની ચકાસણી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
ચકાસણી પુરી થયા પછી પણ હજુસુધી કોલેજકક્ષાએ કે પ્રાથમિક શિક્ષણની વેબસાઇટ પર પણ વિદ્યાર્થીઓને ફાળવવામાં આવેલા પ્રવેશની યાદી જાહેર કરવામાં આવી નથી.
જેના કારણે પીટીસી પ્રવેશમાં મેરિટની અવગણના થઇ હોવાની આશંકા વાલીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.રાજયમાં એક સમયે પીટીસીમાં પ્રવેશ માટે લાખો રૂપિયાનું ડોનેશન લેવામાં આવતું હતુ. જોકે, આડેધડ કોલેજોને મંજુરી આપવાના કારણે અને પ્રાથમિક શિક્ષણમાં ભરતી ઓછી થવાના કારણે પીટીસી કરેલા હજારો યુવકોને નોકરી ન મળતાં પીટીસીના વળતાં પાણી થયા હતા.
આગામી એક દાયકામાં પ્રાથિોમક શિક્ષણમાં મોટાપાયે શિક્ષકોની ભરતી થવાની છે તેવી ચર્ચા અને જાહેરાતોના કારણે ફરીવાર ધો.૧૨ પાસ કરેલા વિદ્યાર્થીઓ અન્ય કોર્સ કરવા કરતાં સરકારી નોકરી મળતી હોય તેવા આશયથી પીટીસી કરવા તરફ વળ્યા છે. જેના કારણે ચાલુવર્ષે પીટીસી પ્રવેશમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
જે તે સમયે પીટીસી કોલેજોમાં ધસારો રહેતો હોવાથી કેન્દ્રીયકૃત પ્રવેશ પધ્ધતિ લાગુ કરવામાં આવી હતી. જોકે, ધીમે ધીમે પીટીસીમાં વિદ્યાર્થીઓ જ મળતાં નહોવાથી પ્રવેશની પ્રક્રિયા જે તે કોલેજોને સોંપી દેવામાં આવી હતી. આમ, હાલમાં કોલેજ દ્વારા મેરિટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની કામગીરી કરવામાં આવી છે.