ઔડાને ઝુંડાલ, કોટેશ્વર- મોટેરામાં ૧૭ દુકાનોની હરાજી મારફતે રૂ. ૧૦.૭૮ કરોડની આવક થશે

(પ્રતિનિધિ) અમદાવાદ , શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) દ્વારા ઝુંડાલ-કોટેશ્વરની ૧૭ દુકાનોની તા. ૨૯ જૂન અને તા. ૨૭ જૂનના રોજ કરાયેલી હરાજીમાં રૂ. ૧૦ કરોડ, ૭૮ લાખની સૌથી વધુ ભાવે હરાજી થઈ હતી.
આમ, ઔડાને રૂ. ૧૦ કરોડ, ૭૮ લાખની આવક થશે. ઔડા દ્વારા ઈ- ઓક્શન મારફતે ઝુંડાલમાં ૧૭ દુકાનોની હરાજી માટે રૂ. ૪ કરોડ, ૬૨ લાખની કિંમત નક્કી કરાઈ હતી અને તેની સરખામણીએ હરાજીમાં રૂ. ૧૦.૭૮ કરોડની સૌથી વધુ ભાવ આવતાં ઔડાને રૂ. ૬ કરોડ, ૧૯ લાખની વધુ આવક થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ, ઝુંડાલમાં ૧૨ અને કોટેશ્વર- મોટેરામાં ૫ સહિત ૧૭ દુકાનોની તા. ૧૯ જૂનના રોજ હરાજી કરવાનું નક્કી કરાયું હતું અને તે માટે અરજીઓ પણ આવી હતી.
પરંતુ મેઘાણીનગરમાં સર્જાયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાને કારણે ઔડા દ્વારા ૧૭ દુકાનોની હરાજી માટેની તારીખ બદલીને તા. ૨૬ અને તા.૨૭મી જૂન નક્કી કરવામાં આવી હતી. ઔડા દ્વારા ઝુંડાલમાં ટીપી- ૭૨, એફપી -૧૨૩, અયોધ્યાનગરી ઈડબલ્યુએસ આવાસની ૧૨ દુકાનો માટે તા. ૨૬ જૂન તથા કોટેશ્વર- મોટેરામાં ટીપી- ૪૭, એફપી ૫૭ની ૫ દુકાનો માટે તા. ૨૭ જૂનના રોજ હરાજી યોજવામાં આવી હતી.
ઝુંડાલની ૧૨ દુકાનો અને કોટેશ્વરની ૫ દુકાનો મળી કુલ ૧૭ દુકાનોની હરાજીમાં ભાગ લેવાની સમય મર્યાદા તા. ૨૧ મેથી તા. ૧૩મી જૂન હતી. ઝુંડાલમાં૧ થી ૯ દુકાન માટે રૂ. ૩૩ લાખ જેટલી કિંમત મૂકાઈ હતી અને તેની સરખામણીએ રૂ.૬૪ લાખથી રૂ. ૭૯ લાખ જેટલી સૌથી ઉંચી બિડ- ઓફર આવી છે તેમજ ૭ થી ૧૨ દુકાન માટે રૂ. ૨૯.૯૮ લાખનો ભાવ મૂકાયો હતો
અને તેની તુલનાએ રૂ. ૬૧ લાખથી રૂ.૭૫ લાખ જેટલી સૌથી ઉંચી બીડ- ઓફર આવી છે. જ્યારે કોટેશ્વર- મોટેરામાં પાંચ દુકાનો માટે રૂ. ૧૬.૬૪ લાખથી રૂ. ૧૭.૬૪ લાખનો ભાવ નક્કી કરાયો હતો અને તેની સરખામણીએ રૂ.૪૮ લાખથી રૂ. ૫૮ લાખ જેટલી સૌથી ઉંચી બિડ- ઓફર આવી છે.