દાણીલીમડામાં પ્રદુષિત પાણીની સમસ્યા વકરી

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પ્રદુષિત પાણી ની સમસ્યા વકરી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા સપ્લાય કરવામાં આવતા પાણી ડહોળાશ અને દુર્ગંધયુક્ત હોવાની ફરિયાદો વધી રહી છે જેના કારણે કોલેરા, કમળો, ઝાડાઉલ્ટી જેવા પાણીજન્ય રોગ વધી રહ્યા છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.
સ્થાનીક કક્ષાએ ફરિયાદ કરવા છતાં તેનો કોઈ જ ઉકેલ ન આવતા સ્થાનિક નાગરિકો એ મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરવા નિર્ણય કર્યો છે. આ અંગે સ્થાનિક રહીશો ના જણાવ્યા મુજબ દાણીલીમડા વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટર નજીક ઝહરા રેસીડેન્સી સામે આવેલ શાહેઆલમ કો. ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી તથા બાજુમાં આવેલી નૂરે અહેમદી સોસાયટી સહિત આસપાસના વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરૂં પાડવામાં આવતું પાણી છેલ્લા વીસેક દિવસથી એકદમ ડહોળું આવે છે.
એ પણ દસ પંદર મિનિટ બાદ બંધ થઈ જાય છે અને છેલ્લે છેલ્લે ફરી ડહોળું પાણી આવે છે.લેખિત અને ઓનલાઇન અરજીઓ કરવા છતાં હજી સુધી સમસ્યાનો નિકાલ આવ્યો નથી. શુદ્ધ પાણી પૂરું પાડી પ્રેશર વધારવા વિનંતી. સોસાયટીના સભ્યો દ્વારા મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ રહી છે.