ગોધરામાં ફરી ભ્રષ્ટાચારના આક્ષેપો, નવા ઓવરબ્રિજનો માર્ગ પ્રથમ વરસાદમાં જ ધોવાયો!!

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેરમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના નવા નવા નમૂનાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત ભુરાવાવ ઓવરબ્રિજના માર્ગ પર વરસાદમાં ખાડા પડી જતાં કાર્યની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે.
ત્રણ માસ અગાઉ જ ગોધરાના ધારાસભ્ય દ્વારા સાદગી પૂર્ણ રીતે શહેરીજનો માટે આ નવીન ઓવરબ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે, પ્રથમ જ વરસાદમાં બ્રિજનો માર્ગ ધોવાઈ જતાં અને જગ્યા જગ્યા પર ખાડા પડી જતાં લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.
શહેરના મુખ્ય ભાગોને જોડતો આ ઓવરબ્રિજ દરરોજ હજારો વાહનોની અવરજવર માટે મહત્વપૂર્ણ છે. આવા માર્ગ પર નબળી કક્ષાની કામગીરીના કારણે લોકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે.
પંચમહાલ જિલ્લામાં કોન્ટ્રાક્ટરો દ્વારા સતત નબળી અને અસંતોષકારક કામગીરી કરાતી હોવાના આક્ષેપો લાંબા સમયથી થઈ રહ્યા છે. છતાં, તંત્ર દ્વારા કોઈ સઘન તપાસ કે પગલાં ન લેવાતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. હવે શહેરવાસીઓ દ્વારા બ્રિજની તાત્કાલિક મરામત તથા જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. ગોધરા નગરપાલિકા અને સંબંધિત વિભાગો આ મુદ્દે કેટલોક ગંભીરતાથી પગલાં લે છે કે કેમ, તે જોવાનું રહ્યું.