આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ દ્વારા ગુજરાતના બિલ્ડર્સ રિયલ એસ્ટેટ સેકટરને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ‘બિલ્ડર ઓફ ધ નેશન‘ કોન્ક્લેવમાં ઉપસ્થિત રહ્યા
મુખ્યમંત્રીશ્રીના હસ્તે રિયલ એસ્ટેટ ક્ષેત્રે સફળ બનેલા ડેવલપર્સ અને સંસ્થાઓને સન્માનિત કરાયા-‘વિઝન ૨૦૪૭ – રિયલ એસ્ટેટનો અમૃતકાળ‘ થીમ પર ન્યૂઝ કેપિટલ ગુજરાત અને ક્રેડાઈના સંયુક્ત ઉપક્રમે યોજાયો કોન્ક્લેવ
-:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-
- સેમિકન્ડક્ટર, ગ્રીન હાઈડ્રોજન, ગ્રીન એનર્જી સહિતના નવીન ક્ષેત્રોમાં આજે આપણે લીડ લઈ રહ્યા છીએ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં ‘બિલ્ડર ઓફ ધ નેશન’ કોન્ક્લેવમાં ઉપસ્થિત રહ્યા હતા. ન્યૂઝ કેપિટલ ગુજરાત, ક્રેડાઈ-અમદાવાદ અને ક્રેડાઈ-ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ‘વિઝન ૨૦૪૭ – રિયલ એસ્ટેટનો અમૃતકાળ’ થીમ પર કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું.
‘બિલ્ડર ઓફ ધ નેશન’ કોન્ક્લેવમાં રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રે વિવિધ કેટેગરીમાં સફળ બનેલા અને વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનારા ડેવલપર્સ અને સંસ્થાઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આધુનિક ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો પ્રભાવ આજે દરેક સેકટરમાં વધ્યો છે. રાજ્યના બિલ્ડર્સ પણ આધુનિક અને ગુણવત્તા યુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથે રિયલ એસ્ટેટ સેકટરને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં શરૂ થયેલા વિવિધ વિકાસ પ્રકલ્પો વિશે વાત કરતા જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જ્યારે શ્રી નરેન્દ્રભાઈએ રાજ્યની ધુરા સંભાળેલી ત્યારે રાજ્ય સામે અનેકવિધ પડકારો હતા. વીજળી, પાણી અને રોડ રસ્તા જેવી પાયાની જરૂરિયાતો અંગે પણ દ્વિધાભરી પરિસ્થિતિ હતી.
એવામાં શ્રી નરેન્દ્રભાઈએ દ્રઢ નિશ્ચય, મજબૂત ઈચ્છાશક્તિ અને વિઝનરી નેતૃત્વ વડે રાજ્યને વિકાસના પથ પર તેજ ગતિથી આગળ વધાર્યું હતું. જેના પરિણામે આજે આપણે ગુજરાતનો આવો અદભુત વિકાસ જોઈ રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.
કચ્છના ખાવડામાં સ્થિત સૌથી મોટા સોલાર પાર્કનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે શ્રી નરેન્દ્રભાઈએ કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના છેવાડાના વિસ્તારોમાં પાયાની જરૂરિયાતોની ઉપલબ્ધતાને હંમેશા પ્રાથમિકતા આપી હતી. એમના દૂરંદેશી નેતૃત્વના પરિણામે જ આજે આપણે સેમિકન્ડક્ટર, ગ્રીન હાઈડ્રોજન, ગ્રીન એનર્જી સહિતના નવીન ક્ષેત્રોમાં લીડ લઈને ઝડપથી વિકાસ સાધી રહ્યા છીએ. આત્મનિર્ભર ભારત, સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા જેવા અભિયાનો આજે રાજ્ય અને દેશના વિકાસની નવી ઓળખ બન્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.
આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ થકી રીયલ એસ્ટેટ સેક્ટર વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વનું યોગદાન આપશે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘બિલ્ડર ઓફ ધ નેશન’ કોન્ક્લેવમાં અમદાવાદ-ગાંધીનગર-ગિફ્ટ સિટી ટ્રાય સિટી, રિયલ એસ્ટેટનો વિકાસ અને ભવિષ્યની તકો, અમૃતકાળ અને વિકસિત ભારતમાં રિયલ એસ્ટેટ સેકટરનું યોગદાન સહિતના વિષયો પર ચર્ચા સત્રો યોજાયા હતા.
આ પ્રસંગે પૂર્વમંત્રી અને ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, નારણપુરાના ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, ન્યૂઝ કેપિટલ ગુજરાતના CMD શ્રી જનકભાઈ દવે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, શહેર પક્ષ પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, AMTSના ચેરમેન શ્રી ધરમશીભાઈ દેસાઈ, સામાજિક અને રાજકીય અગ્રણીઓ સહિત જાણીતા બિલ્ડર્સ, ડેવલપર્સ, સંસ્થાઓના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.