તેલંગાણાની દવા કંપનીમાં વિસ્ફોટ ૧૩ મજૂરોનાં મોત, ૩૪ ઘાયલ થયાં

વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રેડ્ડીએ પીડિતો પ્રત્યે શોક વ્યક્ત કર્યાે
ફાર્મા કંપનીના એક કર્મચારીએ જણાવ્યું કે મોટાભાગના મજૂરો મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના રહેવાસી છે
સંગારેડ્ડી,તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં સોમવારે સવારે દવાની એક ફેકટરીના રિએક્ટર યુનિટમાં વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં ૧૩ મજૂરોનાં મોત થયા છે અને ૩૪ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના પાશમિલારમ ઈન્ડસ્ટ્રિયલ એરિયા સ્થિત સિગાચી ઈન્ડસ્ટ્રીજમાં સવારે ૮-૧૫ કલાકથી ૯-૩૦ કલાકની આસપાસ બની છે.
રાજ્યના આઈજી વી.સત્યનારાયણે જણાવ્યું કે ઘટના દરમિયાન ફેક્ટરીમાં ૧૫૦ લોકો કામ કરી રહ્યા હતા, જ્યારે વિસ્ફોટ થયો ત્યાં ૯૦ લોકો ઉપસ્થિત હતા. ઘાયલોને તાત્કાલીક સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. યુદ્ધના ધોરણ બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટુકડીએ મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને બ્લાસ્ટની ઘટનાને દુખદ ગણાવી છે. આ સાથે પીએમ નેશનલ રિલીફ ફંડમાંથી મૃતકોના પરિવારજનોને રૂપિયા બે લાખ અને ઘાયલોને રૂપિયા ૫૦ હજારની મદદની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને અધિકારીઓને ફસાયેલા શ્રમિકોને બચાવવા અને તેમને સારી સારવાર પ્રદાન કરવા માટે જરુરી તમામ પગલાં ભરવા સૂચના આપી છે. એક મજૂરે જણાવ્યું કે હું સવારે ૭ કલાકે નાઇટ શિફ્ટ પૂરી કરીને બહાર નીકળ્યો હતો. સવારની શિફ્ટનો સ્ટાફ અંદર આવી ચુક્યો હતો. વિસ્ફોટ લગભગ આઠ કલાકે થયો હતો.
શિફ્ટમાં મોબાઇલ જમા થઈ જાય છે, એટલા માટે અંદર કામ કરી રહેલા લોકોની કોઈ ખબર મળી શકી નથી. ફાર્મા કંપનીના એક કર્મચારીએ જણાવ્યું કે મોટાભાગના મજૂરો મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના રહેવાસી છે. એક શિફટમાં લગભગ ૬૦થી વધુ મજૂરો અને ૪૦ અન્ય લોકોનો સ્ટાફ કામ કરે છે. ss1