ઇન્ડોનેશિયામાં ડિફેન્સ એટેચી કેપ્ટન શિવકુમારની ટિપ્પણીથી ફરી ચર્ચા

ભારતે ઓપરેશન સિંદૂરમાં કેટલાક યુદ્ધ વિમાનો ગુમાવ્યાઃ નેવી અધિકારી
૭ મે, ૨૦૨૫ની રાત્રે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય હવાઇ દળે પાકિસ્તાનમાં ફાઇટર જેટ્સ ગુમાવ્યા હતા
કોલકાતા,૭ મે, ૨૦૨૫ની રાત્રે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય હવાઇ દળે પાકિસ્તાનમાં ફાઇટર જેટ્સ ગુમાવ્યા હતા. આ ભારતીય નેતાગિરીની પાકિસ્તાનના લશ્કરી થાણાં કે એર ડિફેન્સ પર હુમલા નહિ કરવાની સૂચનાને કારણે થયું હતું તેમ ભારતના ઇન્ડોનેશિયા ખાતેના ડિફેન્સ એટેચી કેપ્ટન (ભારતીય નેવી) શિવ કુમારે જણાવ્યું છે. જોકે ભારતે તેમના નિવેદનને મીડિયાએ “સંદર્ભની બહાર” ટાંક્યું હોવાનું કહ્યું છે. સીડીએસ પછી તેમની આ ટિપ્પણીએ ફરી એકવાર ચર્ચા જગાવી છે. શિવકુમારે ૧૦ જૂને એક કાર્યક્રમમાં આ ટિપ્પણ કરી હતી.
અહીં તેઓ ભારત-પાકિસ્તાન યુદ્ધના સંદર્ભમાં હવાઇ તાકાતના વ્યૂહો અંગે સંબોધન કરી રહ્યા હતા. ભારતીય વિમાનોને ઓપરેશન સિંદૂરમાં નુકસાન થયું હતું તેમ લશ્કરના બીજા અધિકારીની આ કેફિયત અત્યંત મહત્વની મનાય છે. અગાઉ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાન આ વાત કરી ચૂક્યા છે. જોકે તે અગાઉ પણ આઠ મેના રોજે એર માર્શલ અવધેશ કુમાર ભારતીએ પણ કહ્યું હતું કે અમે લડાઇની સ્થિતિમાં છીએ અને નુકસાન એ લડાઇનો ભાગ છે. આ મામલે રાજકીય આક્ષેપબાજી ચાલી રહી છે. સીડીએસની કબૂલાત બાદ તેમાં ઉમેરો થયો છે.
કેપ્ટન શિવ કુમારે ઉમેર્યું કે રાજકીય નેતૃત્વ દ્વારા નક્કી કરાયેલા નિર્દેશોના કારણે ઓપરેશનના પ્રાથમિક તબક્કામાં ભારતીય વાયુસેના પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાં પર હુમલા કરી શકી નહતી. અમે કેટલાક યુદ્ધ વિમાનો ગુમાવ્યા હતા. રાજકીય નેતૃત્વ પાસેથી સૈન્ય સંસ્થાનો કે તેમની સુરક્ષા પ્રણાલી પર હુમલો નહિ કરવાનો નિર્દેશ અપાયો હતો. જોકે નુકસાન પછી ભારતે રણનીતિ બદલી હતી અને સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવ્યા હતા અને દુશ્મનનો એર ડિફેન્સ સિસ્ટમને નુકસાન પહોંચાડવામાં આવ્યા હતા.
ઇન્ડોનેશિયામાં ભારતીય દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે ડિફેન્સ એટેચીનું નિવેદનને સંદર્ભથી અલગ રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. તેમની રજૂઆતનો ઇરાદો અને મૂળ હેતુને ખોટીરીતે રજૂ કરાયા છે.કોંગ્રેસે સરકાર પર દેશને ગુમરાહ કરવાનો આક્ષેપ કર્યાે છે. પાર્ટી મહામંત્રી જયરામ રમેશે કહ્યું કે અગાઉ સીડીએસે સિંગાપુરમાં આવી વાત કરી હતી. હવે વરિષ્ઠ અધિકારી ઇન્ડોનેશિયામાં આવા દાવા કરે છે. પરંતુ વડાપ્રધાન મોદી સર્વપક્ષીય બેઠકનું અધ્યક્ષપદ કરવા અને વિપક્ષને વિશ્વાસમાં લેવાથી કેમ ઇનકાર કરી રહ્યા છે? સંસદની ખાસ સત્રની માગણી પણ નકારી દેવાઇ છે. ss1