સુરતમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ

અપહરણ કરતા પહેલા આરોપીએ તેણીનું બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું
બોગસ આધારકાર્ડ આધારે કોસંબાના યુવાને સગીરાને વડોદરાની હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું
સુરત,સુરત જિલ્લાના કોસંબામાં સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી વડોદરાની હોટલમાં દુષ્કર્મ આચરવાના કેસમાં ચુકાદો આવ્યો હતો. કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને પાંચ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો. કોસંબામાં મધ્યમ વર્ગનું પરિવાર રહે છે. આ પરિવારની પુત્રી ૧૬ વર્ષ અને છ માસની હતી ત્યારે તેને નાનપણથી ઓળખતા આરોપી માજીદ હારુન નાગોરીએ પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપી માજીદ સગીરા સાથે મોબાઈલ પર ચેટ પણ કરતો હતો તેની સગીરાના ઘરમાં ખબર પડી ગઈ હતી.
સગીરાને તેના માતા-પિતાએ ઠપકો પણ આપ્યો હતો. ગઈ તારીખ ૦૩/૧૧/૨૦૨૨ના રોજ રાત્રે એક વાગ્યાથી મળસ્કે સાડા ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન આરોપી માજીદ નાગોરી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આરોપી એકટીવા ઉપર સગીરાનું અપહરણ કરી વડોદરા લઈ ગયો હતો.અપહરણ કરતા પહેલા આરોપીએ તેણીનું બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું. આ આધાર કાર્ડમાં સગીરાને પુખ્ત તરીકે જાહેર કરવામાં આવી હતી, બોગસ આધારકાર્ડના આધારે વડોદરામાં આવેલા હોટલ ચંદન ગેસ્ટ હાઉસમાં સગીરા સાથે રોકાયો હતો.
તેમાં સગીરા સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. બીજા દિવસે અમદાવાદ ત્યાંથી ફરી વડોદરા, ત્યાંથી અંકલેશ્વરની હોટલમાં ગયા હતા. બીજી તરફ દીકરીના અપહરણ અંગે પરિવારે કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને ઝડપીને જેલ હવાલે કર્યાે હતો.આ કેસ સુરતની પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી માજીદ નાગોરીને કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સજાનો હુકમ કર્યાે હતો. ss1