Western Times News

Gujarati News

લાખણીના ઘાણા ગામમાં જમીન મામલે અથડામણ-મર્ડરમાં ૩૬ને આજીવન કેદ

૨૩ વર્ષ જૂના કેસમાં દિયોદર સેશન્સ કોર્ટનો ચુકાદો

લાખણી તાલુકાના ઘાણા ગામે ૨૩ વર્ષ અગાઉ જમીન બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થતાં બંને પક્ષે એક એક વ્યક્તિનું મોત થયું હતું

પાલનપુર,લાખણી તાલુકાના ઘાણા ગામે ૨૩ વર્ષ અગાઉ જમીન બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થતાં બંને પક્ષે એક એક વ્યક્તિનું મોત થયું હતું. આ બાબતે બંને જૂથોએ આગથળા પોલીસ સ્ટેશન ખાતે સામ-સામી ફરિયાદ નોંધાવી હતી. આ બાબતનો કેસ દિયોદર સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે બંને જૂથોના કુલ ૩૬ આરોપીઓને આજીવન કેદ ફટકારી હતી.લાખણી તાલુકાના ઘાણા ગામે ગત ૨૫ સપ્ટેમ્બર ૨૦૦૨ના રોજ ગણેશાજી વર્ધાજી પટેલે મુસલા તાલબ ઈમામનું ખેતર વેચાણ રાખ્યું હતું. જેમાં ઘાણા ગામના એક જૂથે ઘાતક હથિયારો સાથે ધસી આવી મારામારી કરી હતી.

જેમાં વાલાજી ઝાલાજી (રહે. રામસણ)નું મોત થયું હતું. આ બાબતે ગણેશાજી વર્ધાજી પટેલે આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે ઈજા પામનાર ચેનાજી વિહાજી ઠાકોર (રહે. ઘાણા)નું મોત થતાં ફુલાજી મસાજીએ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બાબતનો પ્રથમ કેસ પાલનપુર સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. ત્યારબાદ ડીસા સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૫થી આ કેસ દિયોદર સેશન્સ કોર્ટમાં ચાલી જતાં દલીલોને ગ્રાહ્ય રાખી ઐતિહાસિક ચુકાદો આપતાં પટેલ વાલાજી ઝાલાજીની હત્યામાં કસૂરવાર ૨૩ ઈસમોને આજીવન કેદ તથા કુલ રૂ. ૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

જ્યારે સામા પક્ષના કેસમાં સરકારી વકીલ એચ.વી. રાજગોરની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી ઠાકોર ચેનાજી વિહાજીની હત્યાના ૧૭ આરોપીઓને પણ આજીવન કેદ અને કુલ રૂ.૧,૬૮,૦૦૦ના દંડની સજાનો હુકમ કરતો ચુકાદો આપ્યો હતો. બંને પક્ષના ૪૦ આરોપીઓમાંથી ૪ આરોપીઓનું મૃત્યું થયું છે. સજા પામેલા આરોપીઓમાં

૧. અશોકજી ચેનાજી ઠાકોર, ૨. ગગાજી વિહાજી ઠાકોર, ૩. હાંસાજી જોધાજી ઠાકોર, ૪. દશરથજી રાયચંદજી ઠાકોર,

૫. ધર્માજી સવાજી ઠાકોર, ૬. જોરાજી જોધાજી ઠાકોર, ૭. મેરુજી ઠાકોર, ૮. ભગાજી ઠાકોર, ૯. તલસાજી ઠાકોર,

૧૦. નરશાજી ઠાકોર, ૧૧. શ્રવણજી ઠાકોર, ૧૨. રમણજી ઠાકોર, ૧૩. રાયચંદજી ઠાકોર, ૧૪. નટવરજી ઠાકોર,

૧૫. પારસજી ઠાકોર, ૧૬. ભરતજી ઠાકોર, ૧૭. વાલજી ઠાકોર, ૧૮. માલાજી ઠાકોર, ૧૯. શારદાબેન ઠાકોર,

૨૦. મીરાબેન ઠાકોર, ૨૧. ગણેશજી પટેલ, ૨૨. લક્ષ્મણજી પટેલ, ૨૩. ચેલાજી પટેલ, ૨૪. ગણેશજી પટેલ,

૨૫. રામજી પટેલ, ૨૬. ચેલાજી પટેલ, ૨૭. અજાજી પટેલ, ૨૮. હેમતાજી પટેલ, ૨૯. ભલાજી પટેલ,

૩૦. દલાજી પટેલ, ૩૧. ખેમાભાઇ પટેલ, ૩૨. ભલાજી પટેલ, ૩૩. ચેલભાઈ પટેલ, ૩૪. રામદા પટેલ,

૩૫. લાલાભાઈ લુહાર, ૩૬. રૂપાજી રાજપૂતનો સમાવેશ થાય છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.