Western Times News

Gujarati News

બેન્કોની ગ્રોસ એનપીએ માર્ચમાં ઘટીને ૨.૩%, અનેક દાયકાના તળિયે

સેક્ટરની દૃષ્ટિએ જોઈએ તો કૃષિ સેક્ટરમાં સૌથી વધુ ગ્રોસ એનપીએ ૬.૧ ટકા રહી હતી, જ્યારે પર્સનલ લોનમાં ગ્રોસ એનપી ૧.૨ ટકા રહી હતી

૪૬ બેન્કોની ગ્રોસ NPA સપ્ટેમ્બર-૨૦૨૪માં ૨.૬ ટકા હતી

મુંબઈ,બેન્કોની ગ્રોસ નોન-પરફો‹મગ એસેટ્‌સ (NPA) ઘટીને માર્ચ-૨૦૨૫માં ૨.૩ ટકા થઈ હતી, જે અનેક દાયકામાં સૌથી નીચી છે તેમ રિઝર્વ બેન્કે સોમવારે કહ્યું હતું. સપ્ટેમ્બર-૨૦૨૪માં ગ્રોસ એનપીએ ૨.૬ ટકા હતી. આરબીઆઈએ છ માસિક ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં કહ્યું હતું કે ૪૬ બેન્કોની જીએનપીએ માર્ચ-૨૦૨૭ સુધીમાં વધીને ૨.૬ ટકા થઈ શકે છે. એફએસઆરમાં કહેવાયું છે કે લોન માંડવાળ (ટેકનિકલી માંડવાળ સહિત, જે ભૂતકાળમાં રિકવર કરી શકાય છે)ને કારણે છેલ્લાં પાંચ વર્ષમાં ગ્રોસ એનપીએમાં નોંધપાત્ર ઘટાડો જોવાયો છે. લોન માંડવાળ ૨૦૨૪-૨૫માં વધીને ૩૧.૮ ટકા થઈ હતી, જે અગાઉના વર્ષે ૨૯.૫ ટકા હતી. સરકારી બેન્કોના લોન માંડવાળમાં સાધારણ ઘટાડો થયો છે. છ માસિક સ્લિપેજ રેશિયો (નવી એનપીએ) સ્થિર ૦.૭ ટકા રહ્યો હતો.

સેક્ટરની દૃષ્ટિએ જોઈએ તો કૃષિ સેક્ટરમાં સૌથી વધુ ગ્રોસ એનપીએ ૬.૧ ટકા રહી હતી, જ્યારે પર્સનલ લોનમાં ગ્રોસ એનપી ૧.૨ ટકા રહી હતી.મોટા લોનધારકોનો હિસ્સો GNPAમાં ૩૭.૫ ટકા રહ્યો હતો, જે ગત વર્ષે આ ગાળામાં ૪૩.૯ ટકા હતો. આ સેગમેન્ટમાં GNPA રેશિયો સપ્ટેમ્બર-૨૦૨૩માં ૩.૮ ટકાથી ઘટીને માર્ચ-૨૦૨૫માં ૧.૯ ટકા થયો હતો. ટોપ-૧૦૦ લોનધારકો પૈકી કોઈને એનપીએ તરીકે વર્ગીકૃત નથી કરાયા અને તેમનો કુલ લોનમાં હિસ્સો છેલ્લાં છ મહિનામાં ૧૫.૨ ટકા સ્થિર રહ્યો છે તેમ આ એફએસઆર રિપોર્ટમાં કહેવાયું છે. રિઝર્વ બેન્કના ડેટા અનુસાર સરકારી બેન્કોની ક્રેડિટ કાર્ડ સેગમેન્ટની GNPA વધીને ૧૪.૩ ટકા થઈ હતી, છ મહિના પહેલાં ૧૨.૭ ટકા હતી. ખાનગી સેક્ટરમાં આ સેગમેન્ટની ગ્રોસ એનપી માત્ર ૨.૧ ટકા રહી હતી. વર્ષ ૨૦૨૪-૨૫માં સરકારી બેન્કોની ક્રેડિટ કાર્ડ લોનની બાકી રકમ ૧૯.૨ ટકા વધી હતી, જે ખાનગી સેક્ટરમાં ૧૧.૭ ટકા વધી હતી. ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.