તબીબ પિતાની હત્યા કરીને સ્નાન કરી વિદેશ ભાગેલા ઝનૂની પુત્રની ધરપકડ

AI Image
(એજન્સી)અમદાવાદ, અમદાવાદઃ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં તબીબની હત્યા મામલે પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પુત્રએ બંધ કરેલ દરવાજાનું લોક પિતાએ તોડી નાખતા તેની અદાવત રાખી હત્યા નીપજાવી છે. જો કે હત્યા કર્યા બાદ આરોપી થાઈલેન્ડ જતો રહ્યો હતો. અને અમદાવાદ પરત આવતા જ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
જોકે પિતાની જ પુત્રએ હત્યા કરી હોવાના આ બનાવને લઈને હાલ શહેરમાં ચકચાર મચી જવા પામી છે, સાથે જ લોકો વિચારમાં મુકાઈ ગયા છે. શહેરના માનસી ચાર રસ્તા પાસે આવેલ વૈભવ ટાવરમાં ૨૭મી જૂનની મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો.
મહત્વની બાબત તો એ છે કે પુત્રએ જ છરીના ઘા ઝીંકીને તબીબ પિતાની હત્યા નીપજાવી હતી. હત્યા કર્યા બાદ આરોપી પુત્ર આખી રાત રૂમમાં બેસી રહ્યો હતો. બાદમાં વહેલી સવારે ફરાર થઈ ગયો હતો. જે અંગે સેટેલાઇટ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપી પુત્રની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે ૨૭મી જૂનના દિવસે બપોરના સમયે મૃતક કોઈ કારણોસર ઘરથી બહાર નીકળ્યા હતા.
આ દરમિયાન તેમના પુત્રએ દરવાજો લોક કરી દીધો હતો. જો કે મૃતક પરત આવીને ઘણા સમય સુધી દરવાજો ખખડાવ્યા બાદ પણ તેણે દરવાજો ખોલ્યો નહોતો. જેથી તેમણે મિસ્ત્રીને બોલાવી દરવાજાનું લોક તોડાવ્યું હતું. જે અંગે પુત્રને લાગી આવતા જ્યારે મોડી રાત્રે તેના પિતા સૂઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ છરીના ઘા મારી દઈને તેમની હત્યા કરી દીધી હતી.
હત્યા કર્યા બાદ તે કલાકો સુધી ઘરમાં જ બેસી રહ્યો હતો અને બાદમાં વહેલી સવારે સાતેક વાગ્યાની આસપાસ સ્નાન કરી થાઈલેન્ડની ટિકિટ બુક કરાવી થાઈલેન્ડ જતો રહ્યો હતો.
પરંતુ ઘટના બાદ ત્યાં પણ તેને બેચેની લાગતા તે તુરંત જ પરત આવી ગયો હતો.સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસે આરોપીને ઝડપી લીધો છે. આરોપી યુવક ખૂબ જ ઝનૂની મિજાજ ધરાવે છે અને તેના વર્તનના કારણે માતા અને બહેન અલગ રહેતા હતા. જ્યારે તેની સારસંભાળ રાખવા માટે પિતા તેની સાથે રહેતા હતા. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જોકે આ હત્યાનો મુદ્દો હાલ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.