ટ્યુશનથી પરત ઘરે આવેલી સગીરા લિફ્ટમાં ગઈ અને પાછળ સિક્યોરીટી ગાર્ડ ઘૂસી ગયો પછી…

સગીરા સાથે લિફ્ટમાં છેડતી કરનાર સિક્યોરિટી ગાર્ડની ધરપકડ
(એજન્સી)અમદાવાદ, શહેરના પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુરમાં માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. એક સગીરા ટ્યુશન ગઈ હતી. ટ્યુશનથી પરત ફરીને તે સોસાયટીની લિફ્ટ વાટે ઘરે જઈ રહી હતી. ત્યારે અચાનક લિફ્ટમાં સોસાયટીનો વૃદ્ધ સિક્યોરીટી ગાર્ડ ઘૂસી ગયો હતો.
દરવાજો બંધ થતાં જ તેણે આ સગીરાના ગુપ્ત ભાગે અડપલાં કર્યા હતા. સગીરાએ બુમાબુમ કરતા સોસાયટીના લોકો ભેગા થઈ ગયા હતા અને આરોપી ભાગે તે પહેલા જ તેને ઝડપી પાડી વસ્ત્રાપુર પોલીસના હવાલે કરાયો હતો.
મૂળ ઉત્તર ભારતના ૪૩ વર્ષીય યુવક શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે અને બેંકના બ્રાન્ચ મેનેજર છે. તેમની ૧૨ વર્ષીય પુત્રી પોશ વિસ્તારમાં આવેલી સ્કૂલમાં ધો.૮માં અભ્યાસ કરે છે. ગત સોમવારે આ યુવક બેંકેથી ઘરે આવ્યા ત્યારે તેમની પત્નીએ જણાવ્યું કે તેમની પુત્રી એકદમ ગભરાયેલી હાલતમાં રડતી રડતી ટ્યુશન ક્લાસથી ઘરે આવી હતી.
દંપતીએ પુત્રીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તે સાંજે ટ્યુશન ક્લાસથી છૂટીને સોસાયટીમાં આવી હતી. બાદમાં તે લિફ્ટમાં પ્રવેશી ત્યારે સિક્્યોરિટી ગાર્ડ લિફ્ટમાં ઘૂસ્યો હતો. તેણે લિફ્ટ બંધ થયા બાદ ગુપ્ત ભાગે અડપલાં કર્યા હતા. આટલું સાંભળીને વાલીએ તાત્કાલિક આ મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસને મેસેજ મળતા જ વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં પોલીસે આસપાસના લોકો અને ભોગ બનનારની પૂછપરછ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પોલીસે ૫૬ વર્ષીય સિક્્યોરિટી ગાર્ડ સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આ મામલે પોલીસનું કહેવું છે કે જ્યારે સગીરા ટ્યુશનથી પરત આવી ત્યારે આ સોસાયટીની ઓરડીમાં રહેતા ગાર્ડે તેનો પીછો કર્યો હતો અને બાદમાં તે લિફ્ટમાં ઘૂસ્યો હતો. જે બાદ તેણે છેડતી કરી હતી.