આ રાજ્યમાં 100 ધારાસભ્યો ઈચ્છે છે કે મુખ્યમંત્રી ખુરશી ખાલી કરે

કોંગ્રેસમાં બળવાની આશંકા, કર્ણાટક સત્તાપલટાની અટકળો-સિદ્ધારમૈયાને હટાવી ડીકે શિવકુમારને કમાન સોંપવામાં આવે.
(એજન્સી) કર્ણાટક, કર્ણાટકમાં સત્તાપલટો થવાની અટકળો વચ્ચે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રણદીપ સિંહ સૂરજેવાલાની બેંગ્લુરૂ મુલાકાત પહેલાં જ નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના નજીકના ધારાસભ્યે મોટો દાવો કરતાં ખળભળાટ મચ્યો છે.
તેમણે કહ્યું કે, આશરે ૧૦૦ ધારાસભ્યો ઈચ્છે છે કે, મુખ્યમંત્રીની ખુરશીમાં હવે ફેરફાર થાય. તેમનો સ્પષ્ટ સંકેત છે કે, વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને હટાવી ડીકે શિવકુમારને કમાન સોંપવામાં આવે.
ધારાસભ્યે ચેતવણી આપી હતી કે, જો હવે કોઈ પરિવર્તન નહીં આવે, તો ૨૦૨૮ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સત્તા જોખમમાં મુકાઈ શકે છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇકબાલ હુસૈને ખુલ્લેઆમ ડીકે શિવકુમારને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું હતું કે આ ફક્ત મારો અભિપ્રાય નથી, ૧૦૦થી વધુ ધારાસભ્યો પરિવર્તન ઇચ્છે છે.
ઘણા ધારાસભ્યો આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે. તેઓ સુશાસનની અપેક્ષા રાખે છે અને માને છે કે ડીકે શિવકુમારને તક મળવી જોઈએ. શિવકુમારે કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ બન્યા પછી દિવસ-રાત પાર્ટી માટે કામ કર્યું છે અને પાર્ટીની તાકાત વધારી છે. તેમના કામને કારણે લોકો તેમની સાથે ઉભા છે.
ઇકબાલ હુસૈને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ સુરજેવાલા સાથેની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી બદલવાનો મુદ્દો ચોક્કસપણે ઉઠાવશે. જો હવે કોઈ પરિવર્તન નહીં આવે, તો ૨૦૨૮માં કોંગ્રેસે સત્તા ગુમાવવાનો વારો આવી શકે છે. પક્ષના હિતમાં આ પરિવર્તન હવે જરૂરી છે.