આમોદ પાલિકા પ્રમુખના વોર્ડમાં દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિક મહિલાઓ રોષે ભરાઈ

મહિલાઓએ પાલિકા કચેરીમાં પહોચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી રોષ ઠાલવ્યો
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૪ માં પાલિકા પ્રમુખ જલ્પા પટેલના વોર્ડમાં જ છેલ્લા એક મહિનાથી દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન બન્યા હતા.વારંવાર રજુઆત કરવા છતાં પરિણામ નહી મળતા સ્થાનિક મહિલાઓએ મોરચો કાઢી પાલીકા કચેરીએ પહોચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરતા મુખ્ય અધિકારીએ ગટર સફાઈ કરવાની મૌખિક બાહેંધરી આપતાં રોષે ભરાયેલી મહિલાઓનો ગુસ્સો શાંત પડ્યો હતો.
આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૪ મારુવાસમાં છેલ્લા એક મહિનાથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે.જેના કારણે દુર્ગંધ મારતું ગટરનું ગંદુ પાણી મહોલ્લામાં પ્રસરી જતા રહીશોમાં પાલીકા કચેરીના સત્તાધિશો સામે રોષ જોવા મળ્યો હતો.મહોલ્લામાં પોતાના બાળકો પણ રમતા હોય રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે સ્થાનિક મહિલાઓનો પાલિકા કચેરી સામે રોષ ફાટી નીકળ્યો હતો.
જેથી ગતરોજ સાંજના સમયે ગુસ્સે ભરાયેલી મહિલાઓએ મોરચો કાઢી પાલીકા કચેરીમાં મુખ્ય અધિકારીની ચેમ્બરમાં ઘૂસી જઈ દુર્ગંધ મારતી ઉભરાતી ગટરો બાબતે ઉગ્ર રજુઆત કરી હતી.જોકે મુખ્ય અઘિકારી પંકજ નાયકે નેશનલ હાઈવે નંબર ૬૪ પાસે ભૂગર્ભ ગટરની લાઈન ડેમેજ થઈ હોવાની કેફીયત રજૂ કરી મહિલાઓનો ગુસ્સો શાંત પાડ્યો હતો.
પરંતુ સ્થાનિક લોકોએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી ગટરો ઉભરાવાની સમસ્યા છે છતાં પાલિકા તંત્ર કામ કરતું નથી.જો આવતી કાલે ગટરોની સફાઇ નહી કરવામાં આવે તો બધું જ કીચડ ભરીને પાલિકા કચેરીમા નાંખવામાં આવશે.
આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૪ ના મારુવાસની મહિલાઓએ પોતાના વિસ્તારમાં દુર્ગંધ મારતી ગટરો અંગે રજૂઆત કરવાં આવી હતી.દુર્ગંધ મારતી ગટરોથી સ્થાનિકો પરેશાન બન્યા હતા.પાલિકાના સત્તાધિશોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરતું નથી ત્યારે પાલિકાના એક કર્મચારીએ સ્થાનિકો પાસેથી ગટર સાફ કરવાનાં એક હજાર રૂપિયાની માંગણી કરતા મહિલાઓનો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો.
અને જણાવ્યુ હતુ કે અમો ગટર વેરો ભરીએ છીએ છતાં અમારે હજાર રૂપિયા આવવાના? જેની મુખ્ય અધિકારી પંકજ નાયકને રજૂઆત કરતા મુખ્ય અધિકારીએ તપાસનાં આદેશ આપી આવા કર્મચારી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી આપી હોવાનું જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકાના કર્મચારીઓ પ્રમુખ તેમજ મુખ્ય અધિકારીના આદેશોનું પણ પાલન કરતા ના હોવાને કારણે નગરજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હોવાનું જાણવાં મળ્યું છે.