અમરેલીમાં હોસ્પિટલ પરિસરમાં ત્રણ યુવક પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ

અમરેલી, અમરેલીમાં હત્યાના પ્રયાસનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને એક શખસે અમરેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બેફામ કાર ચલાવીને ત્રણ યુવકોને અડફેટે લીધા હતા.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, કારમાં આવેલા શખસે ત્રણ યુવકોને ટક્કર મારી ઉછાળ્યા બાદ નીચે પટકાયેલા યુવકો પર ફરીથી કાર રિવર્સ લઈને ચડાવી દીધી હતી. આ ઘટનામાં બે યુવકોને ગંભીર ઈજાઓ થઈ છે અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
ગત ૨૯ જૂનના રોજ સાવરકુંડલામાં રવિ વેગડા અને ભરત કેતરિયા વચ્ચે માથાકૂટ થઈ હતી, જે અંગે સાવરકુંડલામાં ગુનો દાખલ થયો હતો. આ બનાવમાં ઇજાગ્રસ્ત રવિ વેગડા અને હિતેશ કેતરિયા અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા. ગત ૩૦ જૂનની રાત્રે રવિ વેગડા, અજય ચૌહાણ અને હિતેશ ગેલોતર અમરેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી કેન્ટીન તરફ ચાલીને જઈ રહ્યા હતા.
આ દરમિયાન ભરત કેતરિયાનો ભાઈ જયસુખ કેતરિયા પોતાની આઈ-૨૦ કાર લઈને આવ્યો હતો અને રવિ વેગડાને મારી નાખવાના ઈરાદે ત્રણેય પર કાર ચડાવી દીધી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય મિત્રો ફંગોળાઈને દૂર ફેંકાયા હતા.
કારચાલક જયસુખ કેતરિયા આટલેથી ન અટક્યો અને નીચે પટકાયેલા યુવકો પર કાર રિવર્સ લઈને ફરીથી ચડાવી દીધી હતી. ત્યાર બાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
આ ઘટનામાં અજય ચૌહાણ અને હિતેશ ગેલોતરને ગંભીર ઈજાઓ પહોંચી હતી, તેમને સારવાર માટે અમરેલી સિવિલ બાદ રાજકોટ ખસેડાયા છે. અમરેલી પોલીસે આ અંગે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.SS1MS