GNFCના નિવૃત્ત કર્મચારીને ડિઝીટલ એરેસ્ટ કરવાના કેસમાં ઈન્દોરથી એક આરોપી ઝડપાયો

ધંધામાં દેવુ થઈ જતાં ઓનલાઈન ઠગને પોતાનું બેન્ક ખાતું ૩ ટકાના વળતર પર આપ્યું હોવાની કેફિયત
ભરૂચના જીએનએફસી ટાઉનશીપ પાસે આવેલી મુકતાનંદ સોસાયટીમાં રહેતાં ૬૮ વર્ષીય અંબાલાલ ઉદેસિંહ પરમાર જીએનએફસીમાંથી સિનિ.ઓપરેટર તરીકે નિવૃત્ત થયાં હતાં. ગત ૧૭મી એપ્રિલના રોજ તેમનો પુત્ર તેના પરિવાર સાથે પાદરા તેની સાસરીમાં ગયો હતો.
દરમિયાન સવારના સવાનવ વાગ્યાના અરસામાં તેમના મોબાઈલ પર એક મહિલાનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યુ હતું કે, તમારા નામથી એક સિમકાર્ડ ખરીદવામાં આવ્યો છે. અને તે સિમકાર્ડથી ૧૬ જેના ગુના આચરવામાં આવ્યા હોવાની ફરિયાદ આવી છે. તેમજ તેમના નામે કેનેરા બેન્કમાં ખાતું ખોલવામાં આવ્યું છે. તેમજ તે એકાઉન્ટની મદદથી મનીલોન્ડ્રિગ કરવામાં આવી છે.
અને મામલામાં નરેશ ગોયેલ નામના વ્યક્તિ પાસેથી તેના પુરાવા મળ્યાં છે. અને સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયા તરફથી તમારા નામે એરેસ્ટ વોરંટ નિકળ્યો છે. તમારે બચવું હોય તો અમે કહીએ તેમ કરવું પડશે તેમ કહી તેમને ધમકાવ્યાં હતાં. જે બાદ તબક્કાવાર તેમને ફોન કરી ધમકાવી તેમના એફડીના અને બેન્ક ખાતામાના રૂપિયા મળી કુલ ૪૦ લાખ રૂપિયા અન્ય એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધાં હતાં.
બાદમાં તેમને જાણ થઈ હતી કે તેમની સાથે ઠગાઈ થઈ છે. ઘટનાને પગલે તેમણે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ઓનલાઈન ઠગાઈ કરતી ટોળકીના સાગરિતોને શોધવાની કવાયત હાથ ધરી હતી.
<div>પોલીસે મામલામાં વિવિધ પાસાઓની તપાસ શરૂ કરી હતી. જેના ભાગરૂપે ગુનામાં વપરાયેલાં મોબાઈલ નંબર પર બેનેફ્રિશિયરી બેન્ક એકાઉન્ટની તપાસ કરતાં તેનો એકાઉન્ટ ધારકનું નામ ચંદ્રશેખર શાંતિલાલ બાંગર (રહે. ઈન્દોર, મધ્યપ્રદેશ) હોવાનું માલુમ પડતાં ટીમે તેને ઝડપી પાડયો હતો. પોલીસે તેની પુછપરછ હાથ ધરતાં તેણે જણાવ્યું હતું કે, તે ઈન્દોરમાં ઓર્ગેનિક અનાજ-કઠોળનો વેપાર કરે છે.
સોશિયલ મિડીયાના માધ્યમથી તે કેરાલાના નાદીર નામના શખ્સના સંપર્કમાં ત્રણેક મહિના પહેલાં આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તે ગેમિંગ સટ્ટા અને બે નંબરના પૈસાની હેરાફેરી માટે કરંટ એકાઉન્ટની જરૂર છે. જે એકાઉન્ટ પેટે તે ૩ ટકા આપશે.
તેમ કહીને તેણે તેનું સિમકાર્ડ અને ઈન્ટરનેટ બેન્કિંગ યુઝર આઈડી-પાસવર્ડ મેળવી તેના એકાઉન્ટમાં ૪૦ લાખ રુપિયા જમા કરાવ્યાં હતાં. જે બાદમાં ૨૦ અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતાં. ચંદ્રશેખર પર ધંધામાં ૨૦થી ૨૫ લાખનું દેવું થઈ ગયું હતું જેથી તેણે તેનું એકાઉન્ટ ઉપયોગ કરવા આપ્યું હતું. તેને કમિશન પેટે ૩૦ હજાર રુપિયા મળ્યાં હતાં.