નડિયાદ પાલિકાની અપુરતી કામગીરીના વિરોધમાં કોંગ્રેસના દેખાવો

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ નગરપાલિકામાંથી કોર્પોરેશન બને અડધુ વર્ષ થયું છે પરંતુ નડિયાદના નાગરીકો હજી પણ એ જ પરિસ્થિતિ સામે ઝઝુમી રહ્યા છે. ઠેકઠેકાણે ગંદકી, કાંસની અયોગ્ય સાફ સફાઈથી નગરમાં ચારેય બાજુ પાણી ભરાવવાની સ્થિતિ,
રસ્તા પરના ખાડાઓ, સ્ટ્રીટ લાઈટ અને રખડતા પશુઓનો અનહદ ત્રાસથી નગરજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. ત્યારે આજે નગરજનોનો અવાજ બની નડિયાદ શહેર (જિ.) કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા ચોર છે, સુવિધા નહીં તો ટેક્ષ નહીં’ ના નારા લગાવી આવેદનપત્ર આપી કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી
નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ અને તેમની ટીમે મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, નડિયાદ શહેરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ફાળવાયેલી ગ્રાન્ટનો ઉપયોગ માત્ર કાગળ પર જ દેખાઈ રહી છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ખુલ્લેઆમ ગંદકીના ઢગલા, ગંદા કાંસા અને માર્ગોની દયનીય હાલત છે.
શહેરમાં મોટા ભાગના માર્ગો અણગુણવત્તાવાળા અને નબળી સામગ્રીથી બનેલા હોવાથી નાગરિકોના પૈસા રસ્તામાં ખાબકાવાઈ રહ્યા છે. માર્ગ પર ચાર-છ મહિનામાં જ ખાડા પડી જાય છે, છતાં ફરીથી તેનું મરામત ખર્ચ કરવામાં આવે છે. ગેરંટી પિરિયડ હોવા છતાં કોન્ટ્રાક્ટરોને જવાબદાર ઠેરવવામાં આવતા નથી. શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો ખરાબ છે કે બંધ છે,
જેના કારણે સાંજ બાદ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સંરક્ષણનો મોટો પ્રશ્ન ઉભો થાય છે. વધુમાં આ આવેદનપત્રમા જણાવાયું છે કે, ૧૦૪% વરસાદની આગોતરી ચેતવણી છતાં પ્રિ-મોનસૂન કામગીરી સમયસર હાથ ધરાયેલી નથી, અને જે કામગીરી બતાવવામાં આવી છે તે પણ માત્ર કાગળ પર છે.
પરિણામે વર્ષો જૂની મુશ્કેલી વરસાદી પાણી ભરાવા અને રસ્તાઓ નાશ થવા – ફરી ફરી ચક્રવ્યૂહ બની રહી છે. આ ઉપરાંત, જે એજન્સીઓ ભ્રષ્ટાચારના કિસ્સામાં સપડાયેલી હોવા છતાં, તેને બ્લેકલિસ્ટ કરવાની જગ્યાએ ફરી કામ આપવામા આવે છે?