શિક્ષણથી કોઈપણ બાળક વંચિત ન રહે તે માત્ર શિક્ષકોની જ નહીં, સૌની સહિયારી જવાબદારી: ભાનુબેન બાબરીયા

દિવ્યાંગ બાળકોને અગ્ર હરોળમાં લાવવા યોગ્ય શિક્ષણ આપી સશક્ત બનાવવા રાજ્ય સરકાર કટીબદ્ધ: મંત્રીશ્રી
Ahmedabad, “સૌ ભણે, સૌ આગળ વધે”ના સંકલ્પથી શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ગાંધીનગરના સમર્પણ મૂક બધિર શિશુ વિદ્યામંદિર ખાતેથી વિવિધ પાંચ દિવ્યાંગ શાળાના ૩૪ બાળકોને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ શાળામાં પ્રવેશ કરાવીને તેમના ભણતરની શરૂઆત કરાવી હતી.
દિવ્યાંગ બાળકોને શાળામાં પ્રવેશ કરાવતાં મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, બાળકોના શાળાકીય શિક્ષણ અને કેળવણીમાં ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમે મહત્વનો ભાગ ભજવ્યો છે. શિક્ષણથી કોઈપણ બાળક વંચિત ન રહે તે માત્ર શિક્ષકોની જ નહીં, પરંતુ આપણા સૌની સહિયારી જવાબદારી છે. દિવ્યાંગ બાળકોને અગ્ર હરોળમાં લાવવા માટે યોગ્ય શિક્ષણ આપી તેમને સશક્ત બનાવવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે.
મંત્રીશ્રીએ દિવ્યાંગ શાળાના શિક્ષકોની કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે, સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે દિવ્યાંગોને મુખ્ય ધારા સાથે જોડવાનું શ્રેષ્ઠ કાર્ય દિવ્યાંગ શાળાના શિક્ષકો કરી રહ્યાં છે. બાળકોને સમજવા અને તેમના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવા માટે શિક્ષણ આપવાનું ઉત્તમ કામ પણ આ જ શિક્ષકો કરી રહ્યાં છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં દિવ્યાંગ બાળકો માટે ૧૨૮ શાળાઓ કાર્યરત છે. એક શિક્ષક વર્ગને સ્વર્ગ બનાવે છે. વર્ગનું કાળું પાટિયું અનેકના જીવનમાં પ્રકાશ રેલાવે છે. આજે આપણે એવા દિવ્યાંગ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવીએ છીએ કે જેમના જન્મથી જ કંઈક ત્રુટિ રહી ગઈ હોય, તેમના જીવનમાં આશાનો પ્રકાશ ફેલાવવાનું કામ આપણે કરવાનું છે.
આ કાર્યક્રમ દરમિયાન શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને મંત્રીશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી શાળામાં ઉપસ્થિત વાલીશ્રીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ શિક્ષણની સોનેરી સફરમાં પગરવ માંડતા બાળકોને સ્નેહભેર આવકાર આપીને ઉત્તમ ભવિષ્ય અને સર્વશ્રેષ્ઠ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી નટુજી ઠાકોર, શાસક પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા , સામાજિક ન્યાય અને અધિકારીતા સચિવ શ્રી મોહમ્મદ શાહી, સમાજ સુરક્ષા પ્રભાગના નિયામક શ્રી વિક્રમસિંહ જાદવ ઉપરાંત વિવિધ સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ, શાળાના આચાર્યશ્રી સહિત શિક્ષકો, વિધાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.