અમદાવાદ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે 500 ટીબીના દર્દીઓને પોષણક્ષમ કિટનું વિતરણ કરાયું

જિલ્લા ક્ષય કેન્દ્ર અને આર.કે. એચ.આઈ.વી એઈડ્સ રિસર્ચ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે કરાયું આયોજન
ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ યોજના અંતર્ગત સરકાર તરફથી મળતા લાભો વિશે જાણકારી આપવામાં આવી
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણક્ષમ કિટનું વિતરણ કરાયું હતું.
અમદાવાદ જિલ્લા ક્ષય કેન્દ્ર અને આર.કે. એચ.આઈ.વી. એઇડ્સ રિસર્ચ તથા કેર સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં 500 જેટલા ટીબીના દર્દીઓને પોષણક્ષમ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.શૈલેષ પરમારના અધ્યક્ષતામાં અને જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડો.ચિરાગ ધુવાડના માર્ગદર્શનમાં આ આયોજન કરાયું હતું.
ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુથી ન્યુટ્રિશન કિટનું વિતરણ કરાયું હતું. આ સાથે દર્દીઓને ટીબી રોગ વિશે તથા તેની સારવાર વિશે સંપૂર્ણ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું તથા નિયમિત તપાસ કરાવી સંપૂર્ણ સારવાર પૂર્ણ કરવા માટે પણ ભાર મૂક્યો હતો.
વધુમાં ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ યોજના અંતર્ગત સરકાર તરફથી મળતી સહાય વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આર.કે. એચ.આઈ.વી. એઇડ્સ સેન્ટરના નિયામક શ્રી વિશાલસિંહ, પ્રોજેક્ટ હેડ શ્રી ધનંજય શર્મા તથા રાજ્ય ક્ષય નિદર્શન અને તાલીમ કેન્દ્રના નિયામક શ્રી ડો.મહેશ કાપડિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.