Western Times News

Gujarati News

સિવિલમાં પશ્ચિમ બંગાળની મહિલાના અંગદાનથી એક લીવર, બે કીડની તેમજ  બે આંખોનું  દાન મળ્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન મહાદાન ની અવિરત યાત્રા

એક અઠવાડીયા માં થયુ બીજુ  અંગદાન –આ સાથે સિવિલ અમદાવાદ માં આજદીન સુધી થયા કુલ ૧૯૮ અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનની યાત્રા અવિરત પણ આગળ વધી રહી છે. અંગદાન થકી જરૂરિયાતમંદને નવજીવન એ દિશામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના કર્મીઓ નિષ્ઠાપૂર્ણ કામગીરી કરી રહ્યા છે. 

તા. 29 જુનના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 198મું અંગદાન થયું છે. આ અંગે વધુ માહીતી આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યુ હતુ કે,પશ્ચિમ બંગાળના ઉતર દિનાજ્પુરના રહેવાસી ગોલાપીબેન બિષ્વાસને  હ્રદયની તકલીફ હતી. જેની સારવાર માટે રતલામ જે.ડી. હોસ્પિટલમાં દાખલ કરાયા. જ્યાં તારીખ ૨૩.૦૫.૨૬ ના રોજ વધુ તબીયત બગડતા સીટી સ્કેન કરાવતા  મગજમાં હેમરેજ થયું હોવાનું માલુમ પડ્યું.ત્યારબાદ તેમને તા.૨૫.૦૬.૨૫ ના રોજ વધુ સારવાર અર્થે  પરીવારજનો સિવિલ હોસ્પિટલ, અમદાવાદ લઇ આવ્યા. 

અંહી લગભગ 72 થી વધુ કલાકોની સધન સારવારના અંતે તેમને હોસ્પિટલના તબીબો દ્વારા તા. ૨૮.૦૬.૨૫ ના રોજ બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા.સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના સ્વજનોને બ્રેઇન ડેડ પરીસ્થિતિ અને અંગદાન વિશે કાઉન્સેલિંગ કરતા સિવિલ હોસ્પિટલ માં હાજર તેમના પુત્ર અશોકભાઇએ માતા ગોલાપીબેન બિષ્વાસના અંગોનું દાન કરવા સંમતિ આપી હતી. 

બ્રેઇનડેડ ગોલાપીબેન બિષ્વાસના અંગદાનથી મળેલ એક લીવર તેમજ બે કીડનીને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા. બે આંખોનું પણ દાન મળેલ જેને એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી.

સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૯૮ અંગદાતાઓ થકી કુલ ૬૪૮ અંગો  નું દાન મળેલ છે. જેમાં ૧૭૩ – લીવર, ૩૬૦- કીડની, ૧૩ – સ્વાદુપિંડ, ૬૨ – હ્રદય, ૩૨ – ફેફસા, ૬ – હાથ, ૨- નાના આંતરડા નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિવિલ હોસ્પીટલ સ્કીન બેંક ને અત્યાર સુધી માં ૨૧ જેટલી ચામડીનુ પણ દાન મળ્યુ છે.  

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં થયેલ ૧૯૮ માં અંગદાન સાથે આજ દિન સુધી ૬૨૯ જેટલા લોકોને નવી જિંદગી આપણે બક્ષી શક્યા છીએ તેમ ડૉ. જોષીએ ઉમેર્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.