પોક્સો, બાળલગ્નના જામનગરના આરોપીને હાઈકોર્ટે જામીન આપ્યા

અમદાવાદ , માત્ર ૧૩ વર્ષની સગીરા સાથે લગ્ન કરવા અને શારીરિક સંબંધો બાંધવાના ગુનાના આરોપી ૨૬ વર્ષીય યુવકને હાઇકોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યાે છે. આરોપી વિરૂદ્ધ પોક્સોના કાયદા અને બાળલગ્નના ગુનામાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં તેણે જામીન મેળવવા કરેલી અરજીને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી હતી.
આ કેસની હકીકત મુજબ વર્ષ ૨૦૨૪માં જામનગર પોલીસ સ્ટેશનમાં કેટલાક આરોપીઓ સામે અને બાળ લગ્ન પ્રતિબંધ કાયદા અંતર્ગત ફરિયાદ નોધાઇ હતી. આ કેસમાં ૨૬ વર્ષીય યુવકે ૧૩ વર્ષની સગીરા સાથે લગ્ન કરીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા.
જામનગરની કોર્ટે આરોપીના જામીન નકારતા તેણે હાઇકોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી. જે અરજીને ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે ૨૫ હજારના બોન્ડ ઉપર શરતી જામીન આપ્યા હતા. અરજદાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસમાં તે ખુદ પીડિત છે.
તે નવેમ્બર-૨૦૨૪થી જેલમાં છે. તેની ઉપર અગાઉ કોઇ ગુના નોંધાયેલા નથી. પીડિતા સગીર વયની હોવાની તેને ખબર નહોતી. આ કેસમાં સગીરાની માતા પણ આરોપી છે.
જેને સુરત મહાનગરપાલિકાનું સગીરા પુખ્ત વયની હોવાનું ખોટુ પ્રમાણપત્ર આરોપીને બતાવ્યું હતું. સરકારી વકીલે આ જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે, આરોપી જાણતો હતો કે તે જેની સાથે લગ્ન કરી રહ્યો છે તે સગીર છે. તેમ છતાં તેની સાથે લગ્ન કરીને શરીર સંબંધ બાંધ્યા હતા. આરોપીએ સગીરાની માતાને લગ્ન માટે રૂ. ૧.૫૦ લાખ આપ્યા હતા.
જોકે, હાઇકોર્ટે આરોપીને શરતી જામીન આપતા નોંધ્યું હતું કે, આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે. તે નવેમ્બર-૨૦૨૪થી જેલમાં છે. હવે આરોપી પાસેથી કોઈ પૂરાવો મેળવવાનો નથી.SS1MS