સુરેન્દ્રનગરઃ ૨૫ વર્ષનો દીકરો કમાતો નહોતો, પિતાએ ગળે ટૂંપો આપ્યો

સુરેન્દ્રનગર, હળવદ તાલુકાના ચરાડવા ગામમાં એક પિતાએ કામ-ધંધો ન કરતા પુત્રની હત્યા કરી દીધાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આરોપી દેવજીભાઈ કરસનભાઈ સોલંકીએ તેના ૨૫ વર્ષીય બેરોજગાર પુત્ર મનોજની દોરી વડે ગળું દબાવીને હત્યા કરી છે. બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઇએ કાકા વિરૃદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.
ચરાડવા ગામમાં દેવજીભાઇ કરસનભાઇ સોંલકી (ઉ.વ.૫૨) અને તેનો પુત્ર મનોજભાઇ સોલંકી (ઉ.વ.૨૫) એકલા રહે છે. મનોજભાઇ સોલંકી કોઈ કામ-ધંધો કરતો ન હતો. આ કારણે તેના પિતા દેવજીભાઇ કરસનભાઇ સોંલકી સાથે વારંવાર ઝઘડા થતા હતા.
ગઈકાલે પણ પિતા-પુત્ર વચ્ચે કામધંધે ચઢવા બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન દેવજીભાઈએ દોરી વડે મનોજનું ગળું દબાવી દીધું હતું, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. દેવજીભાઇ પુત્રની હત્યા કરી આસપાસના લોકોને જાણ કરી હતી. પાડોશમાં રહેતા લોકોના જાણવ્યા અનુસાર મનોજને પિતા દેવજીભાઈ સાથે બોલાચાલી થઇ હતી અને મનોજને બેભાન હાલતમાં ચરાડવા સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં સરકારી ડોકટરે મૃત જાહેર કર્યાે હતો.
મનોજના ગળાના ભાગે દોરીથી ગળે ટુંપો લાગેલ હોવાના નિશાન જોવા મળ્યા છે.આ ઘટનાના સમાચાર વાત વાયુવેગે ગામમાં પ્રસરતા ગ્રામજનોના ટોળાં સ્થળ પર ઉમટી પડયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરાતાં હળવદ પીઆઇ સહિતનો પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો આરોપી દેવજીભાઇની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતરાઈ ભાઈ અને મોરબીના ભડિયાદ રોડ પર સાયન્સ કોલેજ પાછળ રહેતા અને મૂળ ચરાડવાના વતની દિનેશભાઈ મગનભાઈ સોલંકી (૪૨)એ તેમના કાકા દેવજીભાઈ કરસનભાઈ સોલંકી વિરૃદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે.SS1MS