હાઈકોર્ટની કમીશ્નરને સુચના છતાં એસ્ટેટ વિભાગ પાંચ વર્ષથી ગેરકાયદે બાંધકામો તોડતું નથી

પ્રતિકાત્મક
જમાલપુર ચકલા આજુબાજુની ઘણી ઈમારતો ગેરકાયદેસર હોવા છતાં તંત્રની ચુપકીદી
(એજન્સી)અમદાવાદ, હાઈકોર્ટની મ્યુનિ.અને પોલીસ કમીશ્નરને સુચના હોવા છતાં મ્યુનિ.ના એસ્ટેટ વિભાગ દ્વારા જમાલાપુર ચકલા આજુબાજુ ગેરકાયદેસર ઈમારતો છેલ્લા પાંચ વર્ષોથી તોડતી નથી. જમાલપુર ચકલા આસપાસની ઈમારતો ગેરકાયદે હોવા છતાં તંત્રની ચુપકીદી જોવા મળી રહી છે.
બુધવારે મળેલી લીગલ કમીટીની બેઠકમાં કોર્ટના ઓર્ડરવાળી ગેરકાયદે ઈમારતોની યાદી તૈયાર કરવવા આદેશ કરાયો છે. મ્યુનિ. લીગલ કમીટીમાં ફરીવાર ગેરકાયદે બાંધકામ અને એસ્ટેટ વિભાગની સંડોવણીની ચર્ચા થઈ હતી.
શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવા કોર્ટના હુકમ બાદ પણ એસ્ટેટ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. જમાલપુર વિસ્તારમાં આવેલા જમાલપુર ચકલા આજુબાજુમાં અનેક ગેરકાયદેસર ઈમારતો આવેલી છે. હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી કરાઈ હતી. મ્યુનિ. દ્વારા આ ઈમારતોને તોડવા માટે નોટીસ અપાઈ હતી.
કોર્ટે મ્યુનિ. અને પોલીસ કમીશ્નરને ઈમારતો મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આપી હતી. પરંતુ આજે પાંચ વર્ષ બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને લીગલ કમીટીમાં આવી ઈમારતોના લીસ્ટ મેળવી અને કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે. લીગલ કમીટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે, એસ્ટેટ વિભાગે બાંધકામોને દુર કરવા માટે ત્રણ નોટીસ આપી હતી.
જોકે એસ્ટેટ વિભાગમાં અધિકારીઓ જયારે બાંધકામ તોડવા જતાં ત્યારે મુન્નાખાન પઠાણ સહીતના લોકો દ્વારા બાંધકામ તોડવા દેતાં નહતાં. આજે મળેલી લીગલ કમીટીમાં ઈમારતો ના લીસ્ટ મેળવી અને તેની વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના અપાઈ છે. લીગલ કમીટીના ચેરમેન એસ્ટેટ વિભાગને બચાવ કરે છે. જયારે હકીકતમાં પોલીસ રક્ષણ મેળવી કાર્યવાહી થઈ શકતી હોવા છતાં રાજકીય દબાણથી એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી નહી કરાતી હોવાનું મનાય છે.