કોંગ્રસે થાળી વેલણ વગાડી ભરૂચ પાલિકા તંત્રને જગાડવાના પ્રયાસો કર્યા

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલયથી નગરપાલિકા સુધી થાળી વેલણ વગાડતા રેલી કાઢી નગરપાલિકાના વહીવટી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અને પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર હાજર ન મળતા ઉપપ્રમુખને રજુઆત કરી વહેલી તકે સમસ્યાનું નિરાકરણની માંગ ઉઠાવવા સાથે આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી.
ભરૂચ શહેર કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા નગરપાલિકાના શાસકો તથા અધિકારીઓ સામે આક્ષેપ મૂકાયા કે.ભરૂચના ખાડાવાળા અને સાંકડા રસ્તા, મુખ્ય માર્ગો પર થતા દબાણ, રખડતા ઢોરો, ટ્રાફિકની વિકટ સમસ્યા, રોડ પર ગંદકીના ઢગલા અને ગંદું-પ્રદૂષિત પીવાનું પાણી
જેવી મુદ્દાઓ શહેરવાસીઓ માટે મોટી મુશ્કેલી ઉભી કરી રહ્યા છે.કાંગ્રેસના નવનિયુક્ત નિમાયેલા શહેર પ્રમુખ સલીમ અમદાવાદ,પાલિકાના વિપક્ષ નેતા સમસાદઅલી સૈયદ, ઈબ્રાહિમ કલકલ,ઝુબેર પટેલ સહિત ચૂંટાયેલા કોંગ્રેસના પાલિકા પ્રતિનિધિઓ અને કાર્યકરો રેલીમાં જોડાયા હતા.
પાલિકા કચેરી ખાતે થાળી વગાડતા વગાડતા પ્રવેશી સૂત્રોચ્ચાર કર્યા હતા.જોકે નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી હાજર ન મળતા સમગ્ર પાલિકા કચેરીમાં વિરોધ દર્શાવ્યો હતો અને ઉપપ્રમુખ અક્ષય પટેલની આૅફિસમાં પ્રવેશી વિરોધ સાથે રજુઆત કરી હતી.
તાત્કાલિક આ તમામ સમસ્યાઓનું નિવારણ લાવવાની માંગ સાથે આવેદન પાઠવ્યું હતું.કોંગ્રેસના આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો તંત્ર દ્વારા સમયસર પગલાં લેવામાં નહીં આવે તો શહેરવ્યાપી આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે.