રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ વાર ‘રિંગ ફેન્સિંગ ડિજિટલ વૉલેટ ટ્રાન્સફર’ સિસ્ટમ અમલી

જી-સફલ (G-SAFAL – ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગમેન્ટિંગ લાઇવલીહૂડ્સ) AAY પરિવારોની પ૦ હજાર બહેનોને આત્મનિર્ભર બનાવવાનો લક્ષ્યાંક
૬૭૪ બહેનોને ડિજિટલ વૉલેટ મારફતે સહાય ચૂકવાઈ, સહાયની રકમ નિર્ધારિત આજીવિકા પ્રવૃત્તિ માટે ઉપયોગ થાય તેવી વ્યવસ્થા
વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી નોંધપાત્ર રીતે વધી રહી છે. ત્યારે મહિલાઓને આર્થિક સક્ષમતા પ્રદાન કરવાના હેતુ સાથે રાજ્ય સરકારે એક મહત્વકાંક્ષી પહેલ અમલમાં મૂકી છે. જે અંતર્ગત નિર્ધારિત ૧૩ મહત્વાકાંક્ષી તાલુકા અને ૨ મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં અંત્યોદય અન્ન યોજના (AAY) કાર્ડ ધરાવતા પરિવારોમાંથી પ૦ હજાર બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે સહાય મળશે. આ યોજનાનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૮ માર્ચ ૨૦૨૫ના રોજ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જી-સફલ યોજના અંતર્ગત ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા જી-સફલમાં ‘રિંગ ફેન્સિંગ સુવિધા સાથે ડિજિટલ વોલેટ ટ્રાન્સફર’ સુવિધા શરૂ કરી છે.
રાજ્યમાં સૌપ્રથમ વાર આવી ‘રિંગ ફેન્સિંગ ડિજિટલ વૉલેટ ટ્રાન્સફર’ સિસ્ટમ અમલમાં મૂકવામાં છે. આ અનોખી ડિજિટલ વ્યવસ્થા અંતર્ગત લાભાર્થી બહેનોના વ્યક્તિગત ડિજિટલ વૉલેટમાં સીધી સહાય જમા થશે. રિંગ ફેન્સિંગ પદ્ધતિથી લાભાર્થી બહેનોને મળેલી સહાય સુરક્ષિત રહે છે એટલે કે તે સહાયની રકમ નિર્ધારિત આજીવિકા પ્રવૃત્તિ માટે જ વાપરી શકાશે, અન્યત્ર નહીં.
આ પહેલના પ્રથમ તબક્કામાં ૬૭૪ બહેનોને ડિજિટલ વૉલેટ મારફતે સીધી આજીવિકા સહાય મળી છે, જે સંપૂર્ણપણે સુરક્ષિત, પારદર્શક અને નિર્ધારિત હેતુ માટે જ ઉપયોગમાં લઈ શકાશે તેવી વ્યવસ્થા છે. વધુમાં વર્ષના અંત સુધીમાં આ યોજના અંતર્ગત આશરે ૨૮,૦૦૦ લાભાર્થીઓને ‘રિંગ ફેન્સિંગ ડિજિટલ વૉલેટ ટ્રાન્સફર’સિસ્ટમ દ્વારા લાભ આપવામાં આવશે. ગુજરાત સરકારની જી-સફલ યોજનાની આ પહેલ રાજ્યની સૌથી પછાત પરિવારોની બહેનોને આર્થિક સશક્તિકરણ તરફ લઈ જવામાં અસરકારક સાબિત થશે.