૩૩ જિલ્લાના ૧૯૯ તાલુકામાં વરસાદ વરસ્યો-રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક મેઘમહેર

સૌથી વધુ જામકંડોરણા, ઇડર અને ધાનેરા તાલુકામાં ૫ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો
રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન તમામ ૩૩ જિલ્લાઓના ૧૯૯ તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ રાજકોટના જામકંડોરણા, સાબરકાંઠાના ઇડર અને બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ૫-૫ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટના ધોરાજી અને જામનગરના જોડિયા તાલુકામાં ૪-૪ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
વધુમાં, ગત ૨૪ કલાકમાં કચ્છના મુંદ્રા અને ગાંધીધામ, જામનગરના લાલપુર, રાજકોટના જેતપુર, સુરેન્દ્રનગરના વઢવાણ અને ચુડા તેમજ બનાસકાંઠાના વડગામ અને દાંતીવાડા તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના ૨૧ તાલુકામાં બે ઇંચથી વધુ, ૩૨ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૧૩૩ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા. ૦૪ જુલાઇ, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૩૯ ટકા જેટલો નોંધાયો છે. જ્યારે, સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધીમાં બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.