Western Times News

Gujarati News

‘વિન-વિન’ની સ્થિતિ હોય તો જ અમેરિકા સાથે ટ્રેડ ડીલઃ ભારત

નવી દિલ્હી, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલા ટેરિફ વોરની અસરથી ભારત પણ બાકાત રહ્યું નથી. બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ ન થાય તો ભારત પર ટેરિફ વધારો લાગુ કરવાનું એલાન ટ્રમ્પે કર્યું છે.

ટ્રમ્પે આપેલી મુદત પહેલા વચગાળાની ટ્રેડ ડીલને પાર પાડવા ભારત-યુએસના પ્રતિનિધિઓ દ્વારા કવાયત હાથ ધરાઈ છે. જો કે આ વાટાઘાટો દરમિયાન યુએસ પ્રતિનિધિઓ ડેડ લાઈનનો ભય બતાવી ભારત પર મનસ્વી શરતો લાગુ કરવા મથી રહ્યા હોય તેમ જણાય છે, જેના પગલે કેન્દ્રિય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ ખુલીને મેદાનમાં આવ્યા છે. ગોયલે ખોંખારીને કહી દીધું છે કે, યુએસ સાથે ટ્રેડ ડીલ કરવા ભારત ઉત્સુક છે, પરંતુ ડેડલાઈન જેવા કોઈ પણ દબાણને તાબે થવા તૈયાર નથી.

યુએસ સાથે ટ્રેડ ડીલ સંદર્ભે ગોયલે કહ્યું હતું કે, દેશ હિત હંમેશા સર્વાેપરી હોય છે અને તેને ધ્યાને રાખીને વિકસિત રાષ્ટ્રો સાથે ટ્રેડ ડીલ કરવા ભારત તત્પર હોય છે. ૯ જુલાઈની ડેડ લાઈન પહેલા બંને દેશ વચ્ચે ટ્રેડ ડીલની શક્યતા અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ડેડ લાઈન અથવા સમય મર્યાદાના આધારે ભારત ક્યારેય ટ્રેડ ડીલ સ્વીકારતું નથી.

યોગ્ય રીતે ડીલ થાય અને દેશ હિતમાં તેને સંપૂર્ણ રીતે નક્કી કરવામાં આવે તો ભારત તેનો સ્વીકાર કરશે. ટ્રમ્પે ૯૦ દિવસની મુદત આપ્યા પછી બંને દેશના પ્રતિનિધિ મંડળોએ વચ ગાળાની ટ્રેડ ડીલ માટે સંખ્યાબંધ બેઠકો કરેલી છે. મંત્રણા યોગ્ય દિશામાં આગળ વધી રહી હોવાના સત્તાવાર દાવા થઈ રહ્યા છે, પરંતુ આ અંગે નક્કર વિગતો જાહેર થઈ નથી.

હાલમાં ભારત આ મામલે ઉતાવળ કરવાના મૂડમાં નથી. ગોયલે કહ્યું હતું કે, મંત્રણા માટે વોશિંગ્ટન જવાનું તેમનું કોઈ આયોજન નથી.વચગાળાના કરાર માટે વોશિંગ્ટન ગયેલું ભારતીય પ્રતિનિધિ મંડળ પરત આવી ગયું છે. જો કે કૃષિ, ડેરી અને ઓટો સેકટરને લગતા કેટલાક મુદ્દાઓનો હજુ ઉકેલ આવ્યો નથી.

૯ જુલાઈ પહેલા આ મુદ્દા ઉકેલાઈ જવાની શક્યતા છે. ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ વાણિજ્ય વિભાગના વિશેષ સચિવ રાજેશ અગ્રવાલ કરી રહ્યા છે. અમેરિકા સાથેની મંત્રણામાં તેમણે ભારતના ઓટો સેકટર પર ૨૫ ટકા ડ્યુટી અને સ્ટીલ-એલ્યુમિનિયમ ગુડ્‌સ પર ૫૦ ટકા ડ્યુટીનો મુદ્દો ઊઠાવ્યો હતો.

અમેરિકાની ઈચ્છા ડેરી ઉત્પાદનો, સફરજન, સૂકા મેવા અને જીનેટિકલી મોડિફાઈડ પાકોમાં કર રાહત મેળવવાની છે. કૃષિ પ્રધાન દેશ હોવાથી ભારત માટે આ ક્ષેત્રમાં અમેરિકાને રાહતો આપવાનું અઘરું છે. ભારતે કૃષિ અને ડેરી ક્ષેત્રો અગાઉ કોઈ દેશ માટે ખોલ્યા નથી અને અમેરિકા માટે પોતાના વલણમાં ફેરફાર કરવાની ભારતની ઈચ્છા નથી.

યુએસની ઈલેક્ટ્રિક વ્હિકલ્સ, વાઈન, પેટ્રોકેમિકલ્સ, ઈન્ડસ્ટ્રીયલ ગુડ્‌સ અને ઓટોમાઈલમાં રાહતો જોઈએ છે. ભારતની ઈચ્છા ટેક્સટાઈલ, જેમ્સ-જ્વેલરી, લેધર ગુડ્‌સ, ગાર્મેન્ટ, પ્લાસ્કિટ, કેમિકલ્સ, તેલિબિયાં જેવા શ્રમ આધારિત ક્ષેત્રોમાં કર રાહત મેળવવાની છે.

બંને દેશ ઓક્ટોબર સુધીમાં આખરી ટ્રેડ ડીલ કરવા માગે છે. હાલ બંને દેશનો વેપાર ૫૯૫ અબજ ડોલર છે અને ડીલના પગલે ૨૦૩૦ સુધીમાં ૫૦૦ અબજ ડોલરે પહોંચવાની શક્યતા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.