Western Times News

Gujarati News

બ્રિજ, ટનલ સાથેના નેશનલ હાઈવેના ટોલમાં ૫૦% સુધીનો ઘટાડો

નવી દિલ્હી, કેન્દ્રના માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે પુલો, ફ્લાયઓવર અને ટનલ સહિતના બાંધકામ ધરાવતા નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય મંત્રાલયે ૨૦૦૮ના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો કરાતા હવે વાહનચાલકોને મોટી રાહત મળશે. અગાઉ પુલ કે ટનલનું માળખું ધરાવતા નેશનલ હાઈવે પરનો ટોલ ટેક્સ સામાન્ય હાઈવે કરતા ૫૦ ગણો હતો જે હવે ઘટીને પાંચ ગણો થયો છે.

કેન્દ્રનો આ નિર્ણય શહેરી વિસ્તારોમાં બનેલા એવા હાઈવે અથવા બાયપાસને ધ્યાનમાં રાખીને લેવાયો છે, જેનો નિર્માણ ખર્ચ ઊંચો હોય છે અને હાઈવેના ઘણાખરા ભાગ પર ફ્લાયઓવર, ટનલ, પુલ અથવા એલિવેટેડ રસ્તા સહિતનું બાંધકામ હોય છે. નેશનલ હાઈવે ઉપર રહેલા ટોલ પ્લાઝા દ્વારા એનએચ ફી નિયમ ૨૦૦૮ મુજબ ટોલ ફી વસૂલવામાં આવે છે.

માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે ૨૦૦૮ના નિયમોમાં સુધારો કર્યાે છે અને સાથે જ ટોલની ગણતરી માટેની નવી પદ્ધતિ કે ફોર્મ્યુલા જાહેર કરી છે.નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઇ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પ્રવર્તમાન ટોલ ગણતરીની પદ્ધતિ નેશનલ હાઈવે પર બનાવવામાં આવતા આ પ્રકારના માળખા (ફ્લાયઓવર, ટનલ, પુલ વગેરે) સાથે જોડાયેલા ઊંચા ખર્ચને સરભર કરવા માટે ઘડાઈ હતી.

મંત્રાલયે જાહેર કરેલી સુધારેલી ફોર્મ્યુલા મુજબ ટોલ ટેક્સમાં ૫૦ ટકા સુધી વાહનચાલકોને રાહત થશે. કેન્દ્રીય મંત્રાલયના ૨જી જુલાઈ ૨૦૨૫ના જાહેરનામાં મુજબ, રાષ્ટ્રીય ધોરીમાર્ગના એક ભાગના વપરાશ માટે ફીનો દર, જેમાં માળખું અથવા માળખાઓનો સમાવેશ થાય છે, તેની ગણતરી રાષ્ટ્રીય ધોરીમાર્ગના ભાગની લંબાઈમાં માળખું અથવા માળખાઓની લંબાઈના દસ ગણા ઉમેરીને કરાશે, જેમાં માળખું કે માળખાઓની લંબાઈને બાદ કરતાં, અથવા રાષ્ટ્રીય ધોરીમાર્ગના ભાગની કુલ લંબાઈના પાંચ ગણા ઉમેરીને, જે ઓછું હોય તે મુજબ ફીનો દર રહેશે.

હાઈવે પરના સ્ટ્રક્ચરમાં સ્વતંત્ર પુલ, ટનલ કે ફ્લાયઓવર તથા એલિવેટેડ હાઈવેનો સમાવેશ થશે. મંત્રાલયે નવા ટોલની ગણતરીનું દ્રષ્ટાંત આપતા જણાવ્યું હતું કે, ફક્ત સ્ટ્રક્ચર સાથેના રાષ્ટ્રીય ધોરીમાર્ગના એક ભાગની કુલ લંબાઈ ૪૦ કિલોમીટર છે, તો તેની મિનિમમ લંબાઈ ૫૦ ટ ૪૦ (સ્ટ્રક્ચરની લંબાઈના ૫૦ ગણા) = ૪૦૦ કિ.મી. અથવા રાષ્ટ્રીય ધોરીમાર્ગના ભાગની કુલ લંબાઈના પાંચ ગણા = ૫ ટ ૪૦ = ૨૦૦ કિ.મી. ટોલ ફીની ગણતરી ઓછી લંબાઈ પર અર્થાત ૨૦૦ કિ.મી. મુજબ કરાશે નહીં કે ૪૦૦ કિ.મી. ઉપર. આ કિસ્સામાં ટોલ ચાર્જ રોડની લંબાઈના અડધો અડધ (૫૦ ટકા) જેટલો જ થશે.

પ્રવર્તમાન નિયમો મુજબ નેશનલ હાઈવે ઉપર સ્ટ્રક્ચરના પ્રત્યેક કિલોમીટર મુજબ ૫૦ ગણો રેગ્યુલર ટોલ વાહનચાલક દ્વારા ચૂકવવામાં આવતો હતો.

આમ નેશનલ હાઈવે પરના ટોલ ટેક્સમાં ઘટાડો કરવામાં આવતા આગામી સમયમાં શહેરી વિસ્તારોમાં નિર્માણ પામનાર નવા હાઈવે પ્રોજેક્ટ્‌સને લઈને વાહનચાલકોના ખિસ્સાં પર કોઈ વધારાનું ભારણ નહીં આવે અને પરિવહન વધુ સરળ બની શકશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.