સોનાની દાણચોરીના કેસમાં અભિનેત્રીની ૩૪ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત

નવી દિલ્હી, ઈડી એ સોનાની દાણચોરી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કર્ણાટક અભિનેત્રી રાન્યા રાવની ૩૪ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ હેઠળ કરવામાં આવી છે.
આ કેસ હર્ષવર્ધિની રાન્યા ઉર્ફે રાન્યા રાવ સાથે સંબંધિત છે, જેને આ દાણચોરી રેકેટની મુખ્ય કાવતરાખોર કહેવામાં આવે છે. ઈડીના જણાવ્યા અનુસાર, રાન્યા રાવ અને તેના સહયોગીઓ દુબઈ, યુગાન્ડા અને અન્ય દેશોમાંથી ગેરકાયદેસર રીતે સોનું ભારતમાં લાવ્યા હતા અને તેના વેચાણમાંથી મળેલી મોટી રકમ હવાલા દ્વારા વિદેશમાં મોકલી હતી અને તેનો ફરીથી દાણચોરી માટે ઉપયોગ કર્યો હતો.
સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી, જે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ફરિયાદ પર નોંધવામાં આવી હતી. રાન્યા રાવ બેંગલુરુ એરપોર્ટ પર ૧૪.૨૧૩ કિલો વિદેશી સોના સાથે પકડાઈ હતી, જેની કિંમત લગભગ રૂ.૧૨.૫૬ કરોડ હતી. તેના ઘરની તપાસમા રૂ.૨.૬૭ કરોડની રોકડ અને રૂ.૨.૦૬ કરોડના દાગીના પણ મળી આવ્યા હતા.
જ્યારે, ૭ માર્ચ, ૨૦૨૫ ના રોજ, મુંબઈ એરપોર્ટ પર એક ઓમાની અને એક યુએઈ નાગરિકને ૨૧.૨૮ કિલો દાણચોરીવાળા સોના સાથે પકડવામાં આવ્યા હતા. ઈડીની તપાસમાં જાણવા મળ્યું કે હવાલા દ્વારા ચુકવણી કરીને દુબઈ અને અન્ય દેશોમાંથી સોનું આયાત કરવામાં આવ્યું હતું.
દુબઈથી સોનાના નકલી કસ્ટમ ડિક્લેરેશન ફાઇલ કરવામાં આવ્યા હતા, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે સોનું સ્વિટ્ઝર્લૅન્ડ અથવા અમેરિકા મોકલવામાં આવી રહ્યું હતું, જ્યારે વાસ્તવમાં તે ભારતમાં આવી રહ્યું હતું.
ઈડીની પૂછપરછ દરમિયાન, રાન્યા રાવે તમામ આરોપોને નકારી કાઢયા. પરંતુ તેના મોબાઇલ ફોન, ડિજિટલ ડેટા, મુસાફરી દસ્તાવેજો, કસ્ટમ ડિક્લેરેશન અને ચેટ્સથી સ્પષ્ટ થયું કે તે આ દાણચોરી નેટવર્કનો એક મહત્વપૂર્ણ ભાગ હતી.