“આપણું ગામ આપણું ગૌરવ”ના મંત્ર સાથે સરપંચો ગામના વિકાસ કામોના પિલ્લર બને: મુખ્યમંત્રી

રાજ્યની ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને સદસ્યોનું અદકેરુ અભિવાદન :મુખ્યમંત્રીશ્રી કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રીએ સરપંચોને પ્રમાણપત્રો અર્પણ કર્યા:
ગ્રામીણ વિસ્તારોમાં ગામની સ્વચ્છતા માટે વ્યક્તિ દીઠ માસિક રૂ.૪ની ફાળવણી વધારીને બે ગણી રૂ.૮ કરવામાં આવશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬૧ સમરસ ગ્રામ પંચાયતોને ૩૫ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ડી.બી.ટી.થી ફાળવી પંચાયત ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓ માટે ૧૨૩૬ કરોડની ગ્રાન્ટ ફાળવણી થઈ
Ø રાજ્યના દરેક ગામ વચ્ચે સફાઈ–સ્વચ્છતાની હરીફાઈ થાય તેવું પ્રોત્સાહક વાતાવરણ બનાવવા આહવાન
Ø વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૧ વર્ષના સુશાસનમાં ગ્રામીણ–અર્થતંત્ર અને માળખાકીય વિકાસ સુવિધાઓને નવી ગતિ મળી છે
Ø રાજ્ય સરકાર અને ગામ સાથે મળીને ગ્રામ વિકાસ કાર્યોનું પરસ્પર સહયોગથી આયોજન કરે છે
ગામનો સર્વાંગી વિકાસ અને ગામમાં લોકશાહી કાર્યપ્રણાલીનું સંરક્ષણ એ દરેક સરપંચની નૈતિક ફરજ: કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ
“સુવિધા શહેરની અને આત્મા ગામડાનો” સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ: ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના ગામોમાં ઊડીને આંખે વળગે એવી સ્વચ્છતા-સફાઈ રાખવાનું પ્રેરક આહવાન નવા ચૂંટાયેલા સરપંચો અને ગ્રામ પંચાયત સદસ્યોને કર્યું હતું.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે, સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સંકલ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામ-નગર-શહેરો દરેક સ્થળને સાફ-સુઘડ રાખવાનું જન આંદોલન ચલાવ્યું છે.

રાજ્ય સરકાર દરેક ગામની આવી સ્વચ્છતા-સફાઈ માટે દર મહિને વ્યક્તિ દીઠ ૪ રૂપિયાની ફાળવણી કરે છે. હવે, આ રકમ બમણી કરીને વ્યક્તિ દિઠ માસિક ૮ રૂપિયા અપાશે. આના પરિણામે ગામોમાં સ્વચ્છતા-સફાઈને વધુ વેગ મળશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવા ચૂંટાયેલા સરપંચોને ગ્રામસફાઈ પ્રતે પ્રોત્સાહિત કરતાં ઉમેર્યુ કે, રાજ્યના દરેક ગામ વચ્ચે સફાઈ-સ્વચ્છતાની સ્પર્ધા થાય તેવું પ્રેરક વાતાવરણ આપણે બનાવવું છે.
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજીત અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવનિર્વાચિત સરપંચો-સભ્યોનું સન્માન કર્યું હતું.
કેન્દ્ર જલશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ, ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિ તથા મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોએ લોકોનો વિશ્વાસ અને ભરોસો મેળવીને વિજય પ્રાપ્ત કર્યો છે તેની ભૂમિકા આપતા સ્પષ્ટ પણે જણાવ્યું કે કહ્યું કે, ‘આપણું ગામ આપણું ગૌરવ’ના મંત્ર સાથે તમારે સૌએ ગામના વિકાસ કામોના પિલ્લર બનવાનું છે.
તેમણે ઉમેર્યું કે, ગ્રામ સ્વરાજ્ય માટે આત્મનિર્ભરતાની નવી દિશા વિકાસની રાજનીતિથી આપીને વડાપ્રધાનશ્રીએ સરપંચોના હાથમાં ગામના સામુહિક વિકાસની સત્તા સોંપી છે. એટલું જ નહીં, ચૂંટણીઓમાં સમરસતાનો નવો વિચાર પણ તેમણે ગુજરાતમાં આપેલો છે. આ વિચારને અનુસરતા આ વખતની ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં રેકર્ડ બ્રેક ૭૬૧ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે તેનું મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ કર્યું હતું.
આવી સમસ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક ગ્રાન્ટ પેટે કુલ ૩૫ કરોડ રૂપિયા ડી.બી.ટી.થી ફાળવવા સાથે સમગ્રતયા રૂ.૧૨૩૬ કરોડની રકમ વિવિધ વિકાસ કામોની ગ્રાન્ટ તરીકે ફાળવણી કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૧ વર્ષના સુશાસનકાળમાં ગ્રામીણ, અર્થતંત્ર અને માળખાકીય વિકાસ સુવિધાઓને નવી ગતિ મળી છે.
દેશમાં અંદાજે ૪ કરોડ ગ્રામીણ ગરીબોને આવાસ, એક દશકમાં ૨ લાખથી વધુ ગ્રામ પંચાયતોમાં ઇન્ટરનેટ અને સાડા પાંચ લાખ જેટલા કોમન સર્વિસ સેન્ટર્સ ગ્રામીણ નાગરિકોને સરકારી સેવાના લાભ પહોંચાડવા કાર્યરત થયા છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારો અને ગામ સાથે મળીને વિકાસ કાર્યોનું પરસ્પર સંયોગથી આયોજન કરે છે. તેમણે વિકસિત ભારત @ ૨૦૪૭નો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ સાકાર કરવા વિકસિત ગામથી વિકસિત ગુજરાતના નિર્માણમાં સરપંચોની ભૂમિકા મહત્વની બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ
નવનિયુક્ત સરપંચશ્રી અને સદસ્યશ્રીઓને અભિનંદન પાઠવતા કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, ગ્રામજનોએ તેમના ગામના વિકાસની સંપૂર્ણ જવાબદારી નવનિયુક્ત સરપંચ અને સદસ્યોને સોંપી છે. ગામનો સર્વાંગી વિકાસ, લોકશાહી કાર્યપ્રણાલીનું સંરક્ષણ અને વિકસિત ગુજરાતના નિર્માણમાં ગામનું મહત્વપૂર્ણ યોગદાન એ દરેક સરપંચની નૈતિક ફરજ છે.
સરપંચને ગામનો મુખ્યમંત્રી ગણાવતા કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, જેમ રાજ્યની સંપૂર્ણ જવાબદારી મુખ્યમંત્રીની હોય છે, તેવી જ રીતે એક ગામને સમૃદ્ધ બનાવવાની સંપૂર્ણ જવાબદારી સરપંચની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગ્રામ પંચાયતોને વધારે સત્તા અને ગ્રાન્ટ આપીને પંચાયતી રાજને વધુ મજબૂત બનાવ્યું છે.
કેન્દ્રીય મંત્રીશ્રીએ ગામમાં સ્વચ્છતા, જલ જીવન મિશન અને જળસંચય અભિયાનને વેગ આપવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના ૬૦ કરોડ નાગરિકો શૌચાલયનો ઉપયોગ કરતા થયા છે. આ ઉપરાંત જલ જીવન મિશન હેઠળ દેશના ૧૫.૬૫ કરોડથી વધુ ઘરમાં નળથી જળ પહોંચાડવામાં આવ્યું છે, જ્યારે વર્ષ ૨૦૨૮ સુધીમાં અન્ય ૪ કરોડ ઘરોમાં પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
કેચ ધ રેઇન અભિયાનને પ્રાધાન્ય આપવા અનુરોધ કરતા તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ જળસંચય અભિયાનને જનઆંદોલન બનાવવા આહ્વાન કર્યું હતું. જેના પરિણામે માત્ર ૮ કલાકના સમયગાળામાં જ જળસંચય માટે ૩૨ લાખથી વધુ સ્ટ્રક્ચરો તૈયાર કરવામાં આવ્યા છે. જનભાગીદારી થકી જળસંચય અભિયાનને વેગ આપવા દરેક ગામમાં જળસંચયના કામો હાથ ધરવા માટે કેન્દ્રીય મંત્રીશ્રીએ નવનિયુક્ત સરપંચશ્રીઓને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા સંકલ્પ ‘સુવિધા શહેરની આત્મા ગામડાનો’ને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં ગુજરાતને દરેક ક્ષેત્રમાં અગ્રેસર બનાવવા સતત પ્રયત્નશીલ છે. ગ્રામ વિકાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છતા અભિયાન, મનરેગા, ઈ- ગ્રામ વિશ્વ ગ્રામ, જેવી અનેકવિધ લોકકલ્યાણકરી યોજનાઓના સફળ અમલીકારણથી રાજ્યના ગામડાઓ સુવિધાસભર બન્યા છે.
સમરસ થયેલી ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓને તેમજ વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતી ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓને મહાનુભવોના હસ્તે પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, પંચાયત વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણે, વિકાસ કમિશનર શ્રી હિતેશ કોયા સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ- સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.