રાજ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું, અચાનક હિન્દી પર આટલો ભાર કેમ છે?

18 વર્ષ પછી, ઠાકરે પરિવારના બે ભાઈઓ – રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એક જ મંચ પર દેખાયા.
હું એક ગુજરાતીને ‘ગુજ-રાઠી’ કહું છું કારણ કે તે હૃદયથી મરાઠી સાથે જોડાયેલો છે: રાજ ઠાકરે
જો કોઈને ઝઘડામાં થપ્પડ વાગી જાય અને તે ગુજરાતી હોય તો શું કરવું જોઈએ? : રાજ ઠાકરે
મુંબઈ, મહારાષ્ટ્રના રાજકારણમાં એક ઐતિહાસિક ક્ષણ આવી, જ્યારે લગભગ 18 વર્ષ પછી, ઠાકરે પરિવારના બે ભાઈઓ – રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એક જ મંચ પર દેખાયા. વરલીના NSCI ડોમ ખાતે આયોજિત આવાઝ મરાઠીચા નામની મેગા રેલીમાં, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ ત્રણ ભાષાનું ફોર્મ્યુલા પાછું ખેંચવાના સરકારના નિર્ણયને મરાઠી ગૌરવનો વિજય ગણાવ્યો
અને આ નિર્ણય પાછળ મરાઠી એકતાને શ્રેય આપ્યો. રેલીને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું, મેં મારા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારું મહારાષ્ટ્ર કોઈપણ રાજકારણ અને લડાઈ કરતાં મોટું છે. આજે, ૨૦ વર્ષ પછી, ઉદ્ધવ અને હું એક સાથે આવ્યા છીએ. બાળાસાહેબ જે ન કરી શકયા, તે દેવેન્દ્ર ફડણવીસે કર્યું છે – આપણા બંને (રાજ અને ઉદ્ધવ) ને એક સાથે લાવવાનું કાર્ય. રાજના આ નિવેદનથી આખા પંડાલમાં તાળીઓના ગડગડાટ સાથે ગુંજી ઉઠ્યું.
કોઈનું નામ લીધા વિના, તેમણે સ્પષ્ટપણે કહ્યું કે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનો પ્રયાસ કયારેય સફળ થશે નહીં. જો કોઈ મુંબઈ પર હાથ ઉઠાવવાની હિંમત કરશે, તો મરાઠી લોકો મનુષની વાસ્તવિક શક્તિ જોશે. રાજ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા પૂછયું, અચાનક હિન્દી પર આટલો ભાર કેમ છે? આ ભાષા પ્રત્યેનો પ્રેમ નથી, પરંતુ એક એજન્ડા છે. આપણા પર હિન્દી લાદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આપણે આ સહન કરીશું નહીં.
You can love him, you can hate him, but you can’t ignore him.!!!#RajThackeray pic.twitter.com/Au7MtlhjFN
— आंदोलनजीवी पुणेरी नजर..! (@OfficeOfPunekar) July 5, 2025
જ્યારે આપણા બાળકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે, ત્યારે આપણી મરાઠીતા પર સવાલ ઉઠાવવામાં આવે છે. પરંતુ જ્યારે ભાજપના નેતાઓ મિશનરી શાળાઓમાં અભ્યાસ કરે છે, ત્યારે કોઈએ તેમના હિન્દુત્વ પર આંગળી ઉઠાવી નથી. આ દંભ કામ કરશે નહીં. તેમણે કહ્યું કે બાળાસાહેબ ઠાકરે અને તેમના પિતા શ્રીકાંત ઠાકરે પણ અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હતા પરંતુ કયારેય મરાઠી છોડી ન હતી. તેમણે બાળાસાહેબ સાથે જોડાયેલી એક જૂની વાત કહી,
જ્યારે ૧૯૯૯માં ભાજપની શિવસેના સરકાર બનવાની શકયતા હતી અને ભાજપના નેતાઓ સુરેશ જૈનને મુખ્યમંત્રી બનાવવાના મુદ્દા સાથે બાળાસાહેબને મળવા આવ્યા હતા. બાળાસાહેબે ત્યારે સ્પષ્ટપણે કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફક્ત એક મરાઠી માણસ જ હશે. દક્ષિણ ભારતનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું, સ્ટાલિન, કનિમોઝી, જયલલિતા, એન. લોકેશ, એ.આર. રહેમાન, સૂર્યા, બધાએ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો છે.
શું કોઈ તેમના તમિલ પ્રત્યેના પ્રેમને ઓછો આંકે છે? રહેમાન એક વાર હિન્દીમાં ભાષણ સાંભળીને સ્ટેજ છોડીને ચાલ્યા ગયા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું, જો હું કાલે હિબ્રુ શીખીશ, તો કોઈને શું વાંધો છે? દક્ષિણ ભારત પાસેથી શીખો, તેમણે પોતાની ભાષા માટે એકતા બતાવી. દક્ષિણ ભારતમાં લોકોએ તમિલ અને તેલુગુ ભાષાઓ માટે એકતા બતાવી, પરંતુ મહારાષ્ટ્રમાં લોકોને વિભાજીત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
મહારાષ્ટ્ર એક થઈ ગયું છે, હવે આ લોકો જાતિનું રાજકારણ શરૂ કરશે. જેથી મરાઠી ભાષા માટે બનેલી એકતા તૂટી જાય. ભારતીય સેનાનું ઉદાહરણ આપતા રાજ ઠાકરેએ કહ્યું, સેનામાં મરાઠા રેજિમેન્ટ છે, બિહાર રેજિમેન્ટ છે, નાગા રેજિમેન્ટ છે. બધા અલગ છે, પરંતુ જ્યારે યુદ્ધ થાય છે, ત્યારે તેઓ એક થાય છે અને ભારત માટે લડે છે. મરાઠી સમાજે પણ એ જ રીતે એક થવું જોઈએ.
રાજ ઠાકરેએ તાજેતરની મીરા રોડ ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું, જો કોઈને ઝઘડામાં થપ્પડ વાગી જાય અને તે ગુજરાતી હોય તો શું કરવું જોઈએ? શું કપાળ પર લખ્યું છે કે તે કોણ છે? કારણ વગર કોઈ પર હાથ ઉપાડો નહીં, પણ જો કોઈ વધારે પડતું કરે તો ચૂપચાપ બેસો નહીં. અને હા, ઝઘડાના વીડિયો બનાવવાનું બંધ કરો. કારણ વગર કોઈને મારશો નહીં, પણ જો કોઈ ભૂલ કરે તો તેને પાઠ ભણાવો.
તેમણે કહ્યું કે તેમના ઘણા ગુજરાતી મિત્રો છે જે મરાઠીને પ્રેમ કરે છે. તેમણે કહ્યું, હું એક ગુજરાતીને ‘ગુજ-રાઠી’ કહું છું કારણ કે તે હૃદયથી મરાઠી સાથે જોડાયેલો છે. મારા ઘણા ગુજરાતી મિત્રો પણ છે જે શિવાજી પાર્કમાં મારા ભાષણો સાંભળે છે.
અંતે, તેમણે કહ્યું કે સરકારો આવશે અને જશે, જોડાણો બનતા રહેશે અને તૂટતા રહેશે, પરંતુ મરાઠી ભાષા અને સંસ્કળતિના મુદ્દા પર કોઈ સમાધાન થશે નહીં. આ બાળાસાહેબનું સ્વપ્ન હતું અને આ આપણી પ્રતિબદ્ધતા છે.