Western Times News

Gujarati News

બચુ મગન ખાબડને BJP સરકાર ક્યાં સુધી સંતાડયા કરશે?

ભા.જ.પ અને સરકારની અનિર્ણાયકતાને કારણે બચુ ખાબડ લટકતી તલવાર નીચે દિવસો પસાર કરે છે એવું લાગે છે!

ગાંધીનગર, ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ વિભાગના રાજયમંત્રી બચુ મગન ખાબડના બે પુત્રોનાં કૌભાંડો બહાર આવતાંની સાથે જ સરકાર દ્વારા મંત્રી ખાબડને સરકારના દરેક સત્તાવાર કાર્યક્રમોથી દૂર રાખવામાં (એટલે કે લોકોથી સંતાડવામાં) આવે છે.

જેમાં ખાબડની હાજરી હોદ્દાની રૂએ જરૂરી હોય એવા સરકારનાં છેલ્લા ૫-૭ કાર્યક્રમોમાં ખાબડની ગેરહાજરી લોકોને ‘ઉડીને આંખે વળગી’ હતી.વળી,બચુ ખાબડે સચિવાલયની તેમની કચેરીમાં પણ આવવાનું બંધ કરી દીધું છે

એટલે એમની કચેરી પણ સુમસામ ભાસે છે.બચુ ખાબડની મંત્રીમંડળમાંથી વિદાય તો નિશ્ચિત છે પણ ભા.જ.પ અને સરકારની અનિર્ણાયકતાને કારણે બચુ ખાબડ લટકતી તલવાર નીચે દિવસો પસાર કરે છે એવું લાગે છે!

બોલો લ્યો, ભરુચના ડી.વાય.એસ.પી. સાંસદ મનસુખ વસાવાનો ફોન કાપી નાંખે છે
ગુજરાતનાં પોલીસ અધિકારીઓ સામે અવારનવાર જુદીજુદી ફરીયાદ આવ્યા કરતી હોય છે. એમાં ય શિરમોર કહી શકાય એવી ફરિયાદ એ છે કે ભરૂચ જિલ્લામાંથી સાત વખત ચૂંટાઈ આવેલા સાંસદ મનસુખ વસાવાએ એવી ફરીયાદ કરી છે કે ‘ભરૂચના ડેપ્યુટી એસ.પી. વાત કરતાંકરતાં મારો ફોન કાપી નાંખે છે

ને મારી વાત પણ પુરી સાંભળતાં નથી.’ વસાવાએ અફસોસ વ્યક્ત કરતા વધુમાં એવું પણ જણાવ્યું હતું કે ‘અધિકારીએ હું શાંતિથી વાત કરતો હતો છતાં મારી વાત પૂરી સાંભળવા પણ તૈયાર નહોતા.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી કેમ આવા અધિકારીઓને કેમ ચલાવી લે છે એ મને સમજાતું નથી.’ ગુજરાતનાં પોલીસ અધિકારીઓ કેવા નીંભર થઈ ગયા છે તેનો આ એક હાજરાહજૂર પુરાવો છે હોં.

સિહોર નગરપાલિકાના ભા.જ.પ.ના સભ્યની પોતાના કામ ન થતાં હોવાની ફરીયાદો 

ભાવનગર જિલ્લાના છોટા કાશી તરીકે અને ત્રાંબા-પીતળના વાસણોના ઉત્પાદન અને વેચાણ માટે ખ્યાતનામ સિહોર શહેરની નગરપાલિકાના ભા.જ.પ.ની ટિકિટ પર ચૂંટાયેલા સભ્ય ઈન્દુબહેન સોલંકીની ફરીયાદ એવી છે કે નગરપાલિકામાં પોતાના વોર્ડના નાગરિકોનાં કામ થતાં નથી.

આ ફરીયાદ એક થી પણ વધું વખત દોહરાવ્યા છતાં તંત્રની ઉંઘ ન ઉડતા અને પક્ષની સરકાર દ્વારા કોઈ પગલાં ન લેવાતાં છેવટે કંટાળીને ઈન્દુબહેન સોલંકીએ સિહોર નગરપાલિકાના સભ્ય તરીકે અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

ભારતીય જનતા પક્ષના કાર્યકરો કઈ હદે નિરાશા અનુભવે છે તેનો આ હાજરા હજૂર દાખલો છે!

BJPના મૂળ અને અસલ સંસ્કારથી મંજાયેલા કાર્યકર મયૂર જી.પટેલ (બાબા)
ભારતીય જનતા પક્ષની સ્થાપના થઇ ત્યારે તેની એક ઓળખ ‘પાર્ટી વીથ ડિફરન્સ’ એવી આપવામાં આવી હતી.આ ઓળખને વળગી રહેવા વાળા કાર્યકરો આજે પણ મોજૂદ છે.

એવા નિષ્ઠાવાન કાર્યકરોની જમાતના એક અગ્રિમ કહી શકાય તેવા કાર્યકર મયૂર ગાંડાભાઈ પટેલ(બાબા) ગાંધીનગરમાં વસે છે.

મયૂર પટેલની એક ખૂબી એ છે કે તેઓ પોતાના પર આવતા કોઈના ય ફોન તરત ઉપાડી લે છે.કોઈ સંજોગોમાં ફોન ન ઉપડી શકે તો તેમનો સામો ફોન અચૂક જાય જ.બાબા મિત્રો માટે ઘસાઈ છુટે એવા માણસ,લોકો માટે સહ્રદયી કાર્યકર અને નેતાઓ માટે તેજસ્વી તથા વફાદાર સ્વયંસેવક છે.

મયૂર પટેલ અત્યાર સુધીમાં ભાજપમાં (૧)વોર્ડ ઉપપ્રમુખ(૨) ગાંધીનગર યુવા મોરચાના ઉપપ્રમુખ(૩) ગાંધીનગર યુવા મોરચાના મહામંત્રી(૪) ગાંધીનગર કિશાન મોરચાના પ્રભારી(૫)કિશાન મોરચાની પ્રદેશ કારોબારીના સભ્ય (૬)કર્ણાવતી શહેર કિશાન મોરચાના પ્રભારી અને (૭) પ્રદેશ વ્યવસ્થા ટીમમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે.

મયૂર પટેલ આધ્યાત્મિક પ્રકૃતિના સરળ, નમ્ર તથા નિરાભિમાની વ્યક્તિ છે.હાલ પાટનગરના અગ્રણી દૈનિક ‘ગાંધીનગર સમાચાર’ના મેનેજિંગ તંત્રી તરીકે ફરજ બજાવતા મયૂર પટેલની સાંઈબાબા પ્રત્યેની અપાર શ્રદ્ધા અને ભક્તિને કારણે એમનું હુલામણું નામ જ સાંઈબાબા પરથી ‘બાબા’ થઈ ગયું છે.મિત્રો અને સાથીઓ માટે બધું કરી છૂટવા માટે સદાય તત્પર રહેતા મયૂર પટેલ ખૂબ જ બહોળું મિત્રવર્તુળ ધરાવે છે.

પુરૂષોત્તમ સોલંકીના કાર્યાલયમાં વીરેન્દ્ર મણિયારની પૂનઃ નિયુક્તિ

ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૯/૦૬/૨૫ના અધિનિયમ થી બહાર પડાયેલા હુકમથી વીરેન્દ્ર મણિયારની રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીના કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે પૂનઃ નિમણૂક કરવામાં આવી છે.મણિયાર અગાઉ ૧૯૯૮મા સોલંકીએ જીવનમાં પ્રથમ વખત મંત્રી તરીકે શપથ લીધા ત્યારથી શરૂ કરીને ૨૦૧૦ સુધી તેમના કાર્યાલયમાં જ ફરજ બજાવતા હતા.

ભાવનગરના વતની અને એમ.બી.એ. થયેલા વીરેન્દ્ર મણિયાર જનસંપર્કના માહિર છે.જૈન વણીક હોવાથી મીઠી જબાન અને વ્યવહારકુશળતા તેમના લોહીમાં વણાયેલા ગુણ છે.તેમના વ્યક્તિગત ગાઢ સંપર્કોને કારણે તેઓ ઉત્તમ જાણકારીનો ખજાનો ધરાવે છે.

તેમના પિતા પણ પૂર્વ મહેસુલ મંત્રી દલસુખ ગોધાણીના પી.એ.હતા.અમારા એક પત્રકાર મિત્રને મણીયારનો એક સુખદ(અને આશ્ર્‌ચર્યકારક પણ) અનુભવ છે.બન્યુ એવું કે એ મિત્રને ભા.જ.પ.ના સદાય પડદા પાછળ રહેતા એક પદાધિકારીનો ફોટો જોઈતો હતો.

ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ગુગલ પર શોધ્યો ન મળ્યો. છેવટે વીરેન્દ્ર મણિયારને એ માટે વિનંતી કરી  મણિયારે ૨ કલાકમાં શોધી આપ્યો! ઉત્સાહી અને થનગનતા યુવાન વીરેન્દ્ર મણિયાર માટે આ નિમણૂક ‘ઘર વાપસી’ જેવી છે હોં !

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.