Western Times News

Gujarati News

બાંધકામ શ્રમિકો માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં જોડાવવા માટે કેમ્પનું આયોજન

(માહિતી)દાહોદ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, દાહોદ દ્વારા ચાકલીયા કડીયાનાકા, દાહોદ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કચેરીના પ્રોજેક્ટ મેનેજર હરિશચંદ્ર એસ.ડામોર દ્વારા બાંધકામ શ્રમિકોને પેમ્પ્લેટ વિતરણ કરીને માહિતી આપવામાં આવી કે ૧૮ થી ૫૦ વર્ષના બાંધકામ શ્રમિકોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ ૨ લાખનો વીમો મળવા પાત્ર થાય છે.

આ યોજના હેઠળ બાંધકામ શ્રમિકનું બેંક ખાતુ હોવું ફરજીયાત છે. જે બેંકમાં ખાતું હોય તે બેંકમાં જઈને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં જોડાવવા માટેનું ફોર્મ ભરી જમા કરાવીને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં જોડાયાની ૪૩૬/- રૂપિયાની રશીદ મેળવી લેવા જણાવ્યું હતું.

સાથે બોર્ડની વેબસાઇટ જઈને વીમામાં જોડાયાની રશીદ, આધાર કાર્ડ, બેંક પાસબુક અને પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરીને ઓનલાઈન અરજી કરવાથી વીમામાં જોડાયાની રકમ બાંધકામ શ્રમિકના ખાતામાં રીએમ્બર્સ કરવામાં આવશે.

દર વર્ષે જૂન વીમા પોલીસી રિન્યુ કરવી ફરજીયાત છે અને દર વર્ષે વીમા રિન્યુ કર્યાની બેંક પાસબુકમાં એન્ટ્રી પડાવી બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાથી રિન્યુની રકમ પણ બોર્ડ દ્વારા બાંધકામ શ્રમિકના બેંક ખાતામાં રીએમ્બર્સ કરવામાં આવશે. આ નિમિતે વધુમાં વધુ બાંધકામ શ્રમિકો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં જોડાય તેવો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, દાહોદ કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.