Western Times News

Gujarati News

યુપીમાં એક જ પરિવારમાં છેલ્લાં ૧૭ વર્ષમાં ૧૦ લોકોનો આપઘાત

મેનપુરી, ઉત્તરપ્રદેશના મેનપુરીમાં એક પરિવારમાં છેલ્લા ૧૭ વર્ષમાં ૧૦ લોકોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. પરિવારના ૧૮ વર્ષીય યુવક જિતેન્દ્રે આપઘાત કરી લેતા આ અંગેની ચર્ચા વધી છે.

એક જ પરિવારમાં આપઘાતની ઘટનાઓને લીધે ગામ લોકો પણ ભયભીત થઈ ગયા છે. પોલીસના કહેવા મુજબ, આ ઘટના સકત ગામની છે. મૃતકના દાદા હીરાલાલે જણાવ્યું કે મારો પૌત્ર જિતેન્દ્ર સવારે ૧૦ કલાકે ઘરથી ભોજન લઇને ખેતર તરફ નીકળ્યો હતો. જિતેન્દ્રે કહ્યું હતું કે જાંબુ ખાવા જઈ રહ્યો છું, થોડા સમયમાં પરત આવી જઈશ. તડકો વધુ છે એટલે બહેનનો દુપટ્ટો લઈ જઈ રહ્યો છું.

જોકે, એ ઘણો સમય પસાર થયો છતાં ઘરે પરત આવ્યો નહીં. એટલે મારો પુત્ર રામબરન(મૃતકના પિતા) ખેતરો તરફ શોધવા નીકળ્યો હતો. જોકે, બપોરે બે કલાકે સૂચના મળી કે નજીકના દહેડ ગામના સીમાડાની પાસેના એક ખેતરમાં વૃક્ષ પર દુપટ્ટાથી લટકી રહ્યો છે.

આ ઘટનાના સમાચાર મળતાં રડતા-રડતા જ યુવકની માતા ચીસો પાડીને કહી રહી હતી કે ભગવાને મારા પુત્રને કેમ ઉપાડી લીધો. થોડા દિવસ પહેલા જ પુત્રી જતી રહી, મારો દિયર પણ જતો રહ્યો અને હજુ કેટલા લોકોને ભગવાન મારશે.

એમ કહેતા-કહેતા યુવકની માતા બેભાન થઈ ગઈ હતી. આ મામલામાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને જરુરી કાર્યવાહી કરીને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળ પરથી નમૂનાઓ એકત્ર કર્યા છે.

પોલીસના કહેવા મુજબ, જમીનથી લગભગ સાત ફૂટ ઉપર ડેડબોડી લટકી રહી હતી. પ્રાથમિક તપાસમાં મામલો આપઘાતનો લાગી રહ્યો છે. મૃતકના ભાઈ ગજેન્દ્રએ પોલીસ સ્ટેશનમાં ઘટનાને લઈને ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે, જિતેન્દ્ર મોતના ૨૧ દિવસ પહેલા તેના કાકા બલવંતે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યાે હતો. જિતેન્દ્રની બહેન સૌમ્યાએ ચાર મહિના પહેલા ઘરમાં જ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. પાંચ વર્ષમાં તેના કાકા મનીષે અને આઠ વર્ષ પહેલા તેના બીજા કાકા પિન્ટુએ આગમાં સળગીને આત્મહત્યા કરી હતી.

દસ વર્ષ પહેલા જિતેન્દ્રના કાકા સંજુએ ઝેર ખાઈને જીવન પર પૂર્ણવિરામ મૂક્યું હતું. આ પહેલા પરિવારમાં સૂરજપાલ, મહિપાલ અને રામસિંહ પણ આપઘાત કરી ચુક્યા છે. ગામ લોકોનું કહેવું છે કે ખબર નહીં આ પરિવારમાં કેમ આવી ઘટના બની રહી છે. છેલ્લા ૧૭ વર્ષમાં પરિવારના ૧૦ લોકોએ આત્મહત્યા કરી છે. એક જ પરિવારમાં આપઘાતની ઘટનાને લીધે ગામલોકો પણ ભયભીત છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.