વાવ તાલુકાના ધરાદરામાં વીજકરંટ લાગતાં માતા-પિતા અને પુત્રનાં મોત
        વાવ, વાવ તાલુકાના ધરાધરા ગામમાં રવિવારે વહેલી સવારે બોર ચાલુ કરવા જયેલો યુવક વીજકરંટ લાગવાથી પડી જતાં વારાફરથી તેને બચાવવા પાસે ગયેલાં માતા અને પિતાને પણ વીજકરંટ લાગવાથી ત્રણેયનું મોત નિપજ્યું હતું અને પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ હતી.
ધરાધરા ગામના રહેવાસી મકવાણા પથુભાઈ જેઠાભાઈ (ઉં.વ.અં, ૪૫) સવારે લગભગ ૭ વાગ્યે ખેતરમાં બોર પંપ ચાલુ કરવા ગયા હતા. એ સમયે અચાનક તેમને વીજકરંટ લાગ્યો હતો અને તેઓ જમીન પર પડી ગયા હતા. પુત્રને પડેલા જોયા બાદ તેમના પિતા જેઠાભાઈ ભાવાભાઈ મકવાણા (૬૫ વર્ષ) દોડી આવ્યા અને પુત્રને બચાવવાનો પ્રયાસ કર્યાે, પરંતુ તેમને પણ કરંટ લાગતાં તેઓ પણ ઢળી પડ્યા.
ઘટના જોઈને માતા રખુબેન જેઠાભાઈ મકવાણા (૬૨ વર્ષ) પણ તરત જ સ્થળ પર પહોંચી ગયાં અને કમનસીબે માતા-પિતા અને પુત્ર ત્રણેયનું વીજકરંટથી મોત થયું હતું.પરિવારના અન્ય સભ્યો અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.
સમગ્ર ઘટનાને પગલે સરહદી વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વાવની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર અને વીજ કંપનીના અધિકારીઓને ઘટનાની જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરાયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી વાવ પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે.SS1MS
