સૂર્યવંશી યુથ વન-ડેમાં સૌથી ઝડપી સદી ફટકારનાર યુવા ખેલાડી બન્યો

વોર્સેસ્ટર, ડોમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલ બાદ હવે વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયામાં પણ કમાલ કરી રહ્યો છે. ૧૪ વર્ષીય સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ સામેની અંડર-૧૯ મેચમાં માત્ર ૫૨ બોલમાં શાનદાર સદી ફટકારીને યુવા વનડે ક્રિકેટમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તે માત્ર ૭૮ બોલમાં શાનદાર ૧૪૩ રન ફટકારીને યુથ વનડેમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે.
તેની વિસ્ફોટક ઇનિંગમાં ૧૦ છગ્ગા અને ૧૩ ચોગ્ગાનો સમાવેશ થાય છે.રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન વૈભવની વિસ્ફોટક ઇનિંગે અત્યાર સુધીની સૌથી ઝડપી યુવા વનડે સદીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. આ પહેલા પાકિસ્તાનના કામરાન ગુલામે ૨૦૧૩માં ઇંગ્લેન્ડ અંડર-૧૯ સામે ૫૩ બોલમાં સદી ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો હતો.
ભારત માટે રાજ અંગદ બાવાએ ૨૦૨૨ અંડર-૧૯ વર્લ્ડ કપમાં યુગાન્ડા સામે ૬૯ બોલમાં સદી ફટકારી હતી, જે વૈભવની ઇનિંગ પહેલાની સૌથી ઝડપી સદી હતી.યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ કહ્યું કે શુભમન ગિલને સદી ફટકાર્યા પછી કોઈપણ દબાણ વિના રમતા જોઈને તે પ્રેરિત થયો છે અને ભવિષ્યની મેચોમાં ભારતીય ટેસ્ટ કેપ્ટનનું અનુકરણ કરવા માંગે છે.
સૂર્યવંશીએ ઉમેર્યું કે, ‘મને તેમના (ગિલ) પાસેથી ઘણી પ્રેરણા મળી કારણ કે મેં તેમને રમતા જોયા હતા. ૧૦૦ અને ૨૦૦ રન બનાવ્યા પછી પણ તેઓ સરળતાથી રમતા રહ્યા. હું આગામી મેચમાં ૨૦૦ રન બનાવવાનો પ્રયાસ કરીશ. આગલી વખતે હું આખી પચાસ ઓવર રમવાનો પ્રયાસ કરીશ. હું જેટલા વધુ રન બનાવીશ, તેટલા મારી ટીમ માટે સારા રહેશે.’SS1MS