Western Times News

Gujarati News

૨૯ લાખની ઠગાઈ થતાં રણાસણના યુવકનો આપઘાત

વિજાપુર, વિજાપુર તાલુકાના રણાસણ ગામે રહેતા અને કમાલપુરના વતની યુવકને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે રૂ.૨૯ લાખ રૂપિયા લઈને મોતીપુરના શખ્સે છેતરપિંડી આચરતાં માનસિક તણાવ અનુભવતા યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકવી દેતાં સ્યુસાઈડ નોટના આધારે વિજાપુર પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિજાપુર તાલુકાના રણાસણ ગામે રહેતાં રેખાબેન રાકેશભાઈના પુત્ર હર્ષિતને ઓસ્ટ્રોલિયા જવાનું હોઈ તેના કામ માટે વિજાપુરના મોતીપુરા ગામના ધાર્મિક સુરેશભાઈ પટેલને રૂ.૨૯ લાખ તેણે આપ્યા હતા અને ધાર્મિકે ૬ મહિનામાં ઓસ્ટ્રેલિયા મોકલવાની વાત કરી હતી.

પરંતુ સમય થવા છતાં તેણે હર્ષિતને ઓસ્ટ્રેલિયા મોકલ્યો નહોતો તેમજ રૂ.૨૯ લાખ પણ પરત આપતો ન હોવાથી હર્ષિતે માનસિક તણાવમાં આવી જઈ ઝેરી દવા પી લેતાં સારવાર માટે વિજાપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ એપોલો હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન હર્ષિતનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ હર્ષિતને દવા પીવાનું કારણ પૂછતાં તેણે ઉપરોક્ત વાત કરી હતી. જ્યારે હર્ષિતે લખેલી ચાર પાનાની સુસાઇડ નોટ પણ મળી છે.

જેમાં તેણે લખ્યું છે કે, મારા ભવિષ્યની ચિંતા મમ્મી, દાદા, મામાના માથે નથી નાખવી દરેક વસ્તુમાં સતત પ્રયત્નો કર્યા છતાં મને નિષ્ફળતા મળી એટલે મને હવે કશો શોખ પણ નથી રહ્યો મને હવે વધુ આગળ જિંદગી જીવવામાં રસ પણ નથી. મારા ગયાનો કોઈ પણ શોક ન રાખતા મારું જીવન એટલું જ હતું, જે હવે પૂરું થઈ ગયું છે, મારા મરવાનું પગલું ભરવા પાછળ ધાર્મિક એની મમ્મી, પત્ની અને એના મામાનો હાથ છે, આ ધાર્મિકને ના છોડતા એણે મારી જિંદગી બરબાદ કરી નાખી છે વગેરે લખેલુ છે.

સુરેખાબેન પટેલે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ધાર્મિક સુરેશભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સુસાઇડ નોટ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.