યુપીમાં શાળાઓના વિલીનીકરણ સામેની અરજી ફગાવી

પ્રતિકાત્મક
અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે યોગી સરકારના નિર્ણયને માન્ય રાખ્યો
લખનૌ, અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે ઉત્તર પ્રદેશમાં 5000 શાળાઓના વિલીનીકરણને રોકવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે યુપી સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવતા 51 બાળકોની અરજી ફગાવી દીધી હતી.
સીતાપુરના બાળકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં શાળાઓના વિલીનીકરણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ પંકજ ભાટિયાની સિંગલ બેન્ચે યોગી સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. આ પછી, રાજ્યની 5000 શાળાઓના વિલીનીકરણનો માર્ગ મોકળો થયો હતો.
ઉત્તર પ્રદેશમાં, રાજ્ય સરકારે 5000 એવી શાળાઓ ઓળખી કાઢી છે જ્યાં બાળકોની સંખ્યા ખૂબ ઓછી છે. આ શાળાઓને અન્ય શાળાઓ સાથે મર્જ કરવામાં આવશે. જૂની શાળાઓ બંધ કરવામાં આવશે. જે શાળામાં ઓછા બાળકો અભ્યાસ કરે છે તેના બાળકોને અન્ય શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે.
ઉત્તર પ્રદેશ સરકારે 16 જૂનના રોજ એક આદેશ જારી કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જે પ્રાથમિક શાળાઓમાં ઓછા બાળકો અભ્યાસ કરે છે તેમને નજીકની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં સમાવિષ્ટ કરવામાં આવશે. વિપક્ષે સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. સીતાપુર અને પીલીભીતમાં પણ આ નિર્ણય સામે અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે આ નિર્ણયને માન્ય રાખ્યો છે.