સુપ્રિમકોર્ટ કહે છે “ન્યાયાધીશોમાં” નહીં ન્યાયમાં ભગવાનને નિહાળો પરંતુ….

ન્યાય મંદિરમાં બીરાજતા ન્યાયાધીશો પરમેશ્વર કક્ષાના ન હોય તો ન્યાયમાં ભગવાન મળે ખરાં ?!
ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ બી. જે. દિવાન અને સુપ્રિમ કોર્ટના વર્તમાન જસ્ટીસ જે. બી. પારડીવાલાના અનેક ચૂકાદાઓએ અને તેમના કર્તવ્ય ને લઈને લોકો ઈશ્વર કક્ષાએ જોતા થયા છે !!
તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે ! જે આપણાં દેશનું સર્વાેચ્ચ ન્યાય મંદિર છે ! આ અંગે સુપ્રિમ કોર્ટના એક વકીલે કહ્યું છે કે, “અમે જજમાં ભગવાનને જોઈએ છીએ” ! બીજી તસ્વીરમાં ડાબી બાજુથી સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી એમ. એમ. સુંદરેશ અને જસ્ટીસ શ્રી કે. વિનોદચંદ્રન ની છે તેમણે કહ્યું છે કે, “અમારામાં ભગવાનને નહીં ન્યાયમાં ભગવાનને જુઓ”!! આ માર્મિક પ્રત્યુત્ર ઘણો જ મહત્વનો છે !
ન્યાયના પ્રત્યેક ચૂકાદામાં તમે ભગવાનને જુઓ કારણ કે ન્યાય તોળતી વખતે ન્યાયાધીશો નિષ્પક્ષતાથી, નિડરતાથી સર્વને સમાન ન્યાયની ફીલસુફી પર આધારિત ન્યાય તોળે છે !! પરંતુ ન્યાય જીવંત ત્યારે બને છે જયારે ન્યાય મંદિરમાં બીરાજેલા ન્યાયાધીશો કર્તવ્ય પરાયણ કાબેલ અને બાહોંશ હોય ! ત્યારે ભગવાન જેવો ન્યાય મળે છે ! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા )
અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટ કહે છે કે, “ખરાં અને ખોટા વચ્ચે તટસ્થ રહેવું એને “ન્યાય” ન કહેવાય, પરંતુ અસત્ય સામે સત્યને ખોળી કાઢીને તેને પકડી રાખવું એ “ન્યાય” છે”!! જયારે અમેરિકાના પ્રમુખ વિડ્રો વિલ્સને કહ્યું છે કે, “મજબુત સરકારનો પાયો દયા નહીં, ન્યાય છે”!! સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, “અમારામાં ભગવાન નહીં ન્યાયમા ભગવાનને નિહાળો”!! પરંતુ માનવીઓ ન્યાયાધીશોમાં ભગવાન એટલા માટે શોધે છે કે, શ્રી ભગવાન જ “કર્મ” નું મૂલ્યાંકન કરી ન્યાય તોળે છે ! કેટલાક ન્યાયાધીશો એટલા નિડરતાથી અવલોકન કરી ન્યાય તોળે છે કે, માનવીનું હૃદય બોલી ઉઠે છે કે, આ તો “બીજા નંબરના ભગવાન” છે !!
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસશ્રી તરીકે શ્રી બી. જે. દિવાન નિવૃત્ત થયા ત્યારે એક વકીલે ભાવુક થઈને કહ્યું કે, “ગુજરાતમાંથી ન્યાયના અંતની શરૂઆત થઈ”! જયારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ બન્યા ત્યારે એક વકીલ સાહેબથી બોલાઈ ગયું કે, “હવે સુપ્રિમ કોર્ટનું ગૌરવ વધુ મજબુત બનશે”!! માટે ન્યાયાધીશ ભગવાન છે કે નહીં એ સામાન્ય માનવીએ તેમનું કર્મ અને કર્તવ્ય જોઈ નકકી કરે છે !!
ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી બી. જે. દિવાનને ગુજરાત બીજા નંબરના ભગવાન માનતા કારણ કે જસ્ટીસ શ્રી બી. જે. દિવાનને કોઈ નાનકડુ પોસ્ટકાર્ડ લખે અને તેમને તેની ગંભીરતાની નોંધ લેવા જેવું જણાય તો તેને પીટીશન તરીકે દાખલ કરી નોટિસ કાઢે છે અને ન્યાય આપે ! સરળ સ્વભાવના અને પ્રખર માનવતાવાદી, ન્યાયપ્રિય ન્યાયાધીશ તરીકે સમગ્ર વકીલ આલમમાં તેમનું અદ્દભૂત માન હતું !
તેઓ એક કેળવણીકાર હતાં ! શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલા હતાં ! તેમનો છેલ્લો ચૂકાદો સરકારના અને યુનિર્વિસટીના “માસ પ્રમોશનના નિર્ણય” વિરૂધ્ધ હતો ! તેમણે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિવૃત્ત થતાં આ ચૂકાદામાં એવું અવલોકન કર્યુ હતું કે, શિક્ષણકારોએ, કેળવણીકારોએ પોતાની નૈતિક ફરજ ચૂકી ગયા છે !! માટે “ન્યાય મંદિર” ને “મંદિર” બનાવવા માટે પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી બી. જે. દિવાન જેવા ન્યાયાધીશો બીરાજમાન હોય તો “ન્યાય” માં ભગવાન મળે !!
સુપ્રિમ કોર્ટના વર્તમાન જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલાએ એક શ્રેષ્ઠ નિતિવાન અને મૂલ્યનિષ્ઠ ધારાશાસ્ત્રી હતાં ! વકીલ હતાં ! ગુજરાત બાર કાઉÂન્સલના સભ્ય તરીકે વકીલાતના વ્યવસાયિક મૂલ્યોના સમર્થક અને પથદર્શક હતાં ! તેઓ ગુજરાત હાઈકોર્ટનો પદભાર સંભાળ્યો ત્યારે સમગ્ર વકીલ આલમમાં એક ગૌરવની લાગણી પ્રસરી હતી !
શ્રી જે. બી. પારડીવાલા સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ બન્યા પછી તેમણે મર્મસ્પર્શીય રીતે કહ્યું હતું કે, “સામાન્ય માનવીનો વિશ્વાસ એ ન્યાયતંત્રની “તાકાત” છે જો સામાન્ય માનવીના મનમાંથી ન્યાયતંત્ર પરનો વિશ્વાસ ઉઠી જશે તો ન્યાયાધીશો અને વકીલોની કોઈ કિંમત રહેશે નહીં કાયદાના શાસન ઉપર આપણી સમાજ વ્યવસ્થા ટકી છે” ! બાર અને બેન્ચે કાયદાનું શાસન સાચવવાનું છે ! કોઈપણ કામ એવું ન કરો કે કાલે સામાન્ય માનવી એમ કહે કે આમું શું રહ્યું છે ?!
માટે તો ઈશ્વરનો ન્યાય કર્મ અને કર્તવ્ય પર આધારિત છે ! અને તેથી જ કર્તવ્ય કર્મ નિષ્ઠાથી ન્યાયાધીશો કરે છે ત્યારે એ “બીજા નંબરના ભગવાન” બની જાય છે ! માટે ન્યાય મંદિરમાં જસ્ટીસ શ્રી બી. જે. દિવાન, જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા જેવું વ્યક્તિત્વ ધરાવનારા બેસે ત્યારે ન્યાયમાં ભગવાન નિહાળવા મળે છે ! ભગવાન વગરનું મંદિર હોઈ શકે ?!