મૂળીના વગડિયા ગામમાં કૂતરાના હુમલામાં બે વર્ષના બાળકનું મોત

પ્રતિકાત્મક
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના મુળી તાલુકાના વગડિયા ગામે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. વાડીમાં સૂતેલા બે વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાતા તેનું કરુણ મોત નીપજ્યું છે, જેના કારણે મજૂર દંપતિમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના જાંબુવાના રૂપોરલ ગામના કમલ કટારા અને કમલા કટારા નથુભાઈ સાનીયાની વાડીમાં મજૂરી કરી રહ્યા હતા.
ગઈકાલે બપોરે બે વાગ્યે તેમણે તેમના બે વર્ષના પુત્ર રાજેશને વાડીમાં પાથરણા પર સુવડાવ્યો હતો અને પોતે ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે સમયે અન્ય એક મજૂરનો દોઢેક વર્ષનો દીકરો પણ ત્યાં રમી રહ્યો હતો.અચાનક એક હડકાયું કૂતરું ધસી આવ્યું અને રમતા બાળકના હાથમાં બટકુ ભર્યું, જેથી તેણે ચીસાચીસ કરી મૂકી.
ત્યારબાદ કૂતરું સૂતેલા રાજેશ પાસે પહોંચી ગયું અને તેના મોઢા તથા શરીર પર બટકા ભરી લીધા, જેના કારણે રાજેશ લોહીલુહાણ થઈ ગયો. બાળકોની ચીસો સાંભળીને માતા-પિતા અને અન્ય મજૂરો ઘટનાસ્થળે દોડી આવ્યા અને કૂતરાને માર મારીને મારી નાખ્યું.લોહીલુહાણ થયેલા બંને બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. દોઢ વર્ષના બાળકને હાથમાં ઈજા હોવાથી તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી.
જ્યારે રાજેશને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો, પરંતુ સારવાર દરમિયાન તેણે દમ તોડી દેતા મજૂર દંપતિ પર આભ ફાટ્યું.મૃત્યુ પામનાર રાજેશ બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો. તેના માતા-પિતા આશરે દોઢ મહિના પહેલા જ મજૂરી કરવા માટે અહીં આવ્યા હતા. રાજેશના મૃતદેહને અંતિમવિધિ માટે તેના માતા-પિતા વતન મધ્યપ્રદેશ લઈ ગયા છે.SS1MS