કચ્છના ભુજમાં ધોધમાર ૫ાંચ ઇંચ વરસાદથી પૂરની સ્થિતિ

રાજકોટ, દ્વારકા પંથકને ધમરોળ્યા બાદ મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં કચ્છ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ભુજમાં એક જ રાતમાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ વરસતા પૂર જેવી સ્થિતિ સર્જા હતી. જ્યારે દિવસ દરમિયાન ગાંધીધામમાં ૨.૨૮ ઇંચ અને કચ્છના વિવિધ વિસ્તારોમાં બે ઇંચથી લઈને અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પોણા બે ઇંચથી લઈને છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૦૯ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. ભુજ શહેરમાં ગઈકાલે રાત્રે આઠ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ પરોઢના ચાર વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો, જેમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. મુન્દ્રાનો ગજોડ ડેમ ઓવરફ્લો થયો છે.
ભુજ તાલુકાની પાવરપટ્ટીના ગામોની સિંચાઈ માટે મહત્વનો ઝુરાનો કાયલા ડેમ પણ છલકાયો છે.માંડવીનો વિજયસાગર ડેમ છલકાઈ ગયો છે. પદમપુરનો વેગડી ડેમ અને અબડાસાનો કંકાવટી ડેમ પણ ઓવરફ્લો થયા છે.
આજે દિવસ દરમિયાન કચ્છમાં સૌથી વધુ વરસાદ ગાંધીધામમાં ૨.૨૮ ઇંચ નોંધાયો હતો. જ્યારે ભચાઉમાં ૧.૮૯ ઇંચ, અંજારમાં ૧.૩૪ ઇંચ, નખત્રાણામાં ૦.૯૪ ઇંચ, અબડાસામાં ૦.૫૯ ઇંચ, અને લખપતમાં ૦.૫૫ ઇંચ વરસાદ વરસ્યો છે.
કચ્છની રણની ધરતીમાં પાણી જમીનની અંદર ઉતરતું ન હોવાથી અહીં વરસાદમાં ભારે પૂર આવી જાય છે.બીજી તરફ, ઉપરવાસના વરસાદને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાનું કમાલપુર ગામ સંપૂર્ણપણે સંપર્કવિહોણું બની ગયું છે.
લીંબડી અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ગામની ચારે તરફ પાણી ફરી વળ્યા છે. કમાલપુર ગામને જોડતા મુખ્ય માર્ગાે પર પાણી ફરી વળતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.
આ સિવાય સૌરાષ્ટ્રમાં ભાવનગરના સિહોરમાં આજે ૧.૭૩ ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે પંથકના માર્ગાે પર પાણી ફરી વળ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ૧.૭૩ ઇંચ તથા દ્વારકા શહેરમાં ૦.૩૯ ઇંચ વરસાદ નોંધાયો છે. મોરબીમાં ૦.૬૭ ઇંચ જ્યારે જામનગરના લાલપુર તાલુકામાં ૦.૫૫ ઇંચ વરસાદ નોંધાયો છે.
જૂનાગઢ જિલ્લામાં વંથલીમાં ૦.૩૧ ઇંચ જ્યારે અન્યત્ર છૂટાછવાયા ઝાપટા વરસ્યા. આ ઉપરાંત રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટા નોંધાયા છે.SS1MS