‘ગર્ભાવસ્થાના એડવાન્સ સ્ટેજ સુધી પીડિતાનું મૌન રહેવું સંમતિ ગણાય’

અમદાવાદ, ગર્ભાવસ્થાના એડવાન્સ સ્ટેજ સુધી પીડિતાનું મૌન રહેવું સંમતિ ગણાય એવું મહત્ત્વનું અવલોકન હાઇકોર્ટે એક કેસના આદેશમાં કર્યાે છે. આ કેસમાં આરોપીને નિર્દાેષ છોડવાના આદેશને બહાલ રાખતાં હાઇકોર્ટે રાજ્ય સરકારે કરેલી અપીલ રદ કરી છે. હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે આરોપી અને પીડિતા વચ્ચે શારીરિક સંબંધ વારંવાર બંધાયા હતા.
જોકે, પીડિતાએ ક્યારેય તેના પરિવારના કોઈ સભ્યને જાણ કરી નહોતી કે આરોપી તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેના પર રેપ કર્યાે હતો. જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે પણ, તેણે આ ઘટના તેના પરિવારના સભ્યોને જણાવી નહોતી.
ગર્ભાવસ્થા એડવાન્સ સ્ટેજ સુધી પહોંચે ત્યાં સુધી કથિત રેપ અંગે પીડિતાનું મૌન સાબિત કરે છે કે આ રેપ નહીં પણ સંમતિનો કેસ છે. તેથી આરોપીને નિર્દાેષ છોડવાના ચુકાદામાં કોઈ દખલ કરવાની જરૂર નથી. આ કેસમાં પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે આરોપી વારંવાર તેના ઘરમાં એકલી હતી ત્યારે ઘૂસી ગયો અને તેના પર રેપ કર્યાે.
તેણે કથિત રીતે તેને ધમકી પણ આપી હતી કે જો તેણી ક્યારેય આ ઘટના કોઈને જણાવી તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. ત્યારબાદ, પીડિતા ગર્ભવતી થઈ ગઈ હતી પરંતુ ગર્ભાવસ્થાના સાતમા કે આઠમા મહિના સુધી તેણે આ માહિતી તેના પરિવારથી છુપાવી રાખી હતી.
તેણે તેના માતાપિતાને જાણ કર્યા પછી, પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસે તપાસ બાદ ઔરોપી સામે ચાર્જશીટ કરી હતી. ત્યારબાદ, રેકોર્ડ પરની બાબતોને ધ્યાનમાં લેતા ટ્રાયલ કોર્ટે આરોપીને તમામ આરોપોમાંથી મુક્ત કર્યાે હતો.
હાઇકોર્ટે એવો અભિપ્રાય આપ્યો હતો કે આરોપી દ્વારા પીડિતા સાથે સંમતિ વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો તે સાબિત કરવા કોઈ તબીબી પુરાવા રેકોર્ડ પર નથી.
વારંવાર જો તેની સાથે આવી ઘટના બની હોય ત્યારે તે ખૂબ જ અસંભવિત હતું કે તે તેના પરિવારને આ ઘટનાઓ જાહેર ન કરે. આરોપીએ ટ્રાયલ કોર્ટની કાર્યવાહી દરમિયાન એવો દાવો કર્યાે હતો કે તે અને પીડિતા એકબીજાના પ્રેમમાં હતા અને તેમની વચ્ચેનો શરીર સંબંધ હતા. તેણે પોતાના દાવાના સમર્થનમાં બંનેના ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા હતા.SS1MS