Western Times News

Gujarati News

SGST-IGSTના માધ્યમથી ગુજરાતને વર્ષ ૨૦૨૪-૨૫માં થઇ રૂ. ૭૩,૨૦૦ કરોડની આવક થઈ

નિર્ધારિત સમયમર્યાદામાં GSTR-3B અને GSTR-1 રિટર્ન ભરવામાં ગુજરાત દેશમાં પ્રથમ

ગુજરાતના સપ્લાયરોએ વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૧૩.૯૮ કરોડ ઈ-વે બિલ બનાવ્યા

“સિંગલ ટેક્સ, ડબલ ગ્રોથ: GST બન્યો ગુજરાતના વિકાસનો ઓથ”

ગુજરાતમાં GST લાગુ થયા બાદ કરદાતાની સંખ્યામાં ૧૪૫ ટકાનો વધારો; છેલ્લા ૮ વર્ષમાં કરદાતાઓની સંખ્યા વધીને ૧૨.૬૬ લાખને પાર પહોંચી

· રાજ્યમાંથી વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ. ૧,૩૬,૭૪૮ કરોડની GST આવક; ગત વર્ષ કરતા રૂ. ૧૧,૫૭૯ કરોડ વધુ

કી પર્ફોર્મન્સ ઇન્ડિકેટર્સ (KPI)માં ગુજરાત ૭૧.૬૯ પોઈન્ટ્સ સાથે દેશમાં દ્વિતીય; KPIના ૨૨ કામગીરી માપદંડોમાંથી ૦૯ પરિમાણોમાં ગુજરાત દેશમાં પ્રથમ

એક સમય હતો જ્યારે ગુજરાતમાં વેટ (VAT), CST, ઓક્ટ્રોય, એન્ટ્રી ટેક્સ, સર્વિસ ટેક્સ અને કેન્દ્રીય આબકારી જકાત જેવા ઘણા બધા કર (ટેક્સ) અમલમાં હતા. આ સિસ્ટમ ખૂબ જ જટીલ હતી, જેનાથી વેપારીઓને ટેક્સ ભરવામાં અનેક મુશ્કેલીઓ ઉદ્ભવતી હતી. ખાસ કરીને, વિવિધ રાજ્યોના અલગ-અલગ ટેક્સ રેટ અને નિયમો ઉપરાંત ‘ટેક્સ પર ટેક્સ’ (કેસ્કેડિંગ ઇફેક્ટ)ને કારણે વસ્તુઓ મોંઘી બનતી હતી અને વેપારમાં અવરોધો આવતા હતા. ગુજરાત જેવા નિકાસલક્ષી અને વેપાર-આધારિત રાજ્ય માટે આ પડકાર વધુ વિકટ હતો.

આ પડકારનો સામનો કરવા અને દેશની અર્થવ્યવસ્થાને નવી દિશા આપવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિપૂર્ણ નિર્ણયથી તા. ૧ જુલાઈ, ૨૦૧૭ ના રોજ ભારતમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ભારતમાં વસ્તુની ખરીદી કે સેવા મેળવવા પર માત્ર એક જ – GST કર લાગુ કરવામાં આવ્યો, જ્યારે અન્ય કરને નાબૂદ કરવામાં આવ્યા હતા. “એક રાષ્ટ્ર, એક કર”ના સિદ્ધાંત સાથે GSTએ કર પ્રણાલીને સરળ બનાવી, કરચોરી ઘટાડી અને વ્યાપાર કરવામાં સરળતા લાવવાનો માર્ગ મોકળો કર્યો છે.

GST લાગુ થતા વેપારીઓ અને ગ્રાહકો માટે કરની ગણતરી અને તેને ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની છે. આ ઐતિહાસિક કર સુધારણાના કારણે છેલ્લા ૮ વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર રીતે વધ્યું છે. GSTએ ગુજરાતને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને ગતિશીલ અર્થતંત્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

કરદાતાઓમાં ઉત્તરોત્તર વધારો

GST લાગુ થયા બાદ ગુજરાતમાં પ્રતિવર્ષ નવા કરદાતાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ૮ વર્ષ પહેલા GST લાગુ થયો ત્યારે રાજ્યમાં ૫.૧૫ લાખથી વધુ કરદાતાઓ હતા, જેની સામે આજે વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૪૫ ટકાના વધારા સાથે રાજ્યમાં કરદાતાઓની સંખ્યા ૧૨.૪૬ લાખને પણ પાર કરી ચૂકી છે, જે બમણાથી પણ વધુ છે. નોંધાયેલા કરદાતાઓની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત આજે દેશમાં ત્રીજા સ્થાને છે, જે તેની વધતી જતી આર્થિક પ્રવૃત્તિ અને કર શિસ્તનું ઉત્તમ ઉદાહરણ છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતનો કરદાતા વૃદ્ધિ દર ૬.૩૮ ટકા નોંધાયો છે, જે રાષ્ટ્રીય વૃદ્ધિ દર ૩.૮૬ ટકા અને અન્ય રાજ્યોની સરખામણીએ ઘણો વધારે છે.

GSTથી મબલખ આવક

કરદાતાઓની સંખ્યામાં વૃદ્ધિની સાથે સાથે, ગુજરાતના રાજકોષમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રૂ. ૧,૩૬,૭૪૮ કરોડની GST આવક થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ રૂ. ૧૧,૫૭૯ કરોડ વધુ છે. રાજ્યોમાંથી થયેલી GST આવકની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને છે અને ડોમેસ્ટિક GSTમાં પણ ગુજરાતનો ફાળો ૮.૨ ટકા નોંધાયો છે.

ગુજરાતના રાજકોષમાં વધારો

આટલું જ નહિ, રાજ્યને મળતી SGST અને IGSTની આવકમાં પણ ગુજરાતે મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. વર્ષ ૨૦૨૪-૨૫માં SGST અને IGSTના માધ્યમથી રાજ્યને કુલ રૂ. ૭૩,૨૦૦ કરોડની મહેસૂલી આવક થઈ છે, જે ગત વર્ષ કરતા રૂ. ૮,૭૫૨ કરોડ વધુ છે. વર્ષ ૨૦૨૪-૨૫માં SGST અને IGSTની આવકમાં રાષ્ટ્રીય વૃદ્ધિ દર ૧૦.૩૧ ટકાની સરખામણીએ ગુજરાતે ૧૩.૬ ટકાનો વૃદ્ધિ દર નોંધાવ્યો છે. આ વધારાની આવક ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓના વિકાસ કાર્યોને વધુ વેગ આપશે.

ઈ-વે બિલમાં પણ ગુજરાત મોખરે

આ ઉપરાંત માલ-સામાનની અવર-જવરના ડિજિટલ ટ્રેકિંગ માટે બનાવવામાં આવતા ઈ-વે બિલમાં પણ ગુજરાત દેશમાં મોખરે છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ગુજરાતના સપ્લાયરો દ્વારા કુલ ૧૩.૯૮ કરોડ ઈ-વે બિલ બનાવવામાં આવ્યા હતા. આ રીતે, ઈ-વે બિલ બનાવનાર સપ્લાયરોની સંખ્યાના આધારે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. તદુપરાંત, ગુજરાત ઈ-વે બિલના મૂલ્યની દ્રષ્ટિએ દેશમાં દ્વિતીય સ્થાને તેમજ કુલ ઈ-વે બિલની સંખ્યામાં દેશમાં ત્રીજા સ્થાને પહોંચ્યું છે.

રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શનના ઊંચા શિખરો

ગુજરાત માત્ર કરદાતાઓની સંખ્યામાં જ નહીં, પરંતુ GSTના અન્ય પ્રદર્શન પરિમાણોમાં પણ અવ્વલ રહ્યું છે. મુખ્ય કામગીરી સૂચકાંકો એટલે કે, કી પર્ફોર્મન્સ ઇન્ડિકેટર્સ (KPI)માં ગુજરાતે ૭૧.૬૯ પોઈન્ટ્સ સાથે દેશમાં દ્વિતીય ક્રમ હાંસલ કર્યો છે, જ્યારે ૭૩.૯૩ પોઈન્ટ્સ સાથે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. KPIના કુલ ૨૨ કામગીરી માપદંડોમાંથી ૦૯ પરિમાણોમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. આ ઉપરાંત સમયસર GSTR-3B અને GSTR-1 રિટર્ન ભરવામાં પણ ગુજરાત દેશમાં પ્રથમ છે. નિર્ધારિત સમયમર્યાદામાં GSTR-3B રિટર્ન ફાઈલિંગમાં ૮૮.૯ ટકા અને GSTR-1 રિટર્ન ફાઈલિંગમાં ૮૫.૫ ટકાની સિદ્ધિ સાથે ગુજરાતે કરવેરા પ્રણાલીમાં તેની શિસ્તબદ્ધતાનો પુરાવો આપ્યો છે.

GSTએ ગુજરાતને એક વધુ પારદર્શક, કાર્યક્ષમ અને ગતિશીલ અર્થતંત્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ગુજરાતની આ પ્રગતિ માત્ર આંકડાઓ જ નહિ, પરંતુ લાખો વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને સામાન્ય જનજીવનમાં આવેલી સરળતા અને સમૃદ્ધિનું પ્રતિક છે. GSTના માધ્યમથી ગુજરાતે ખરા અર્થમાં વિકાસનો નવો અધ્યાય રચ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.