કૈલાશ માનસરોવર યાત્રા ભારત ચીન તરફ જવા ઈમીગ્રેશન માટેનો એક માત્ર બ્રીજ તૂટી પડયો

રાજકોટ, કૈલાશ માનસરોવર યાત્રાની ચીનમાં જ્યાંથી એન્ટ્રી થાય છે તે ટીમૂરે એન્ડ કેરૂન્જ બોર્ડરે મંગળવારે વ્હેલી સવારે ૩ વાગ્યે ઈમીગ્રેશન માટેનો એક માત્ર બ્રીજ તૂટી પડયો છે અને પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આસપાસના વિસ્તારોમાં અચાનક ૨૦ ફૂટ જેટલુ પાણી આવી જતાં હાહાકાર મચી ગયો છે.
જો કે તમામ ભારતીય યાત્રાળુઓ સહી સલામત છે અને બ્રીજ તૂટી પડયો તે પૂર્વે જ આ બ્રીજ ઓળંગીને માનસરોવર પહોંચી ગયા છે. જાણવા મળતી વિગતો મુજબ આજે વ્હેલી સવારે આ ઈમીગ્રેશન બ્રીજની ઉપર આવેલા પાંચેક નાના- મોટા સરોવરો ધડાકા સાથે અચાનક તૂટી પડતાં તેનું તમામ પાણી આ વિસ્તારમાં એક સાથે આવી પડયુ હતું અને ૨૦ ફૂટ ઉંચાઈ જેટલુ પાણી ફરી વળેલ.
આ ભયાનક પૂરને લીધે ૨૦ પૈડાવાળા હેવી વેઈટ અને ૧૫ થી ૧૮ ફૂટ લાંબા ૫૦ થી ૬૦ ટ્રકો ડૂબી ગયા છે. નેપાળીઓ અને ચીની નાગરીકો સહિત અનેક લોકો તણાઈ ગયાની ભીતી સેવાઈ રહી છે. જો કે તમામ ૪૦૦ થી ૫૦૦ ભારતીય યાત્રાળુઓ સહી સલામત છે.
દરમિયાન ૪૫ યાત્રાળુઓ સાથે કૈલાશ માનસરોવરની યાત્રાએ નીકળેલા, રાજકોટ – સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કેમ્સ કોર્નરના સીઈઓ શ્રી અશ્વિન દેસાઈનો સંપર્ક સાધતા તેમણે જણાવેલ કે, તમામ ૪૫ ડોકટરો અને બીઝનેસમેનો – ઉદ્યોગપતિઓ સહી સલામત માનસરોવર પહોંચી ગયા છે. એક પણ ભારતીય નાગરીક આ દુર્ઘટનાનો ભોગ બન્યો નથી.
તેમની સાથે રાજકોટના કુંડલીયા પરિવારના જમાઈ અને જાણીતા ડો. દિપક પટેલ, ભાવનગરના ડો. વીરડીયાના પુત્ર અને નામાંકિત બિઝનેસમેન શ્રી ગૌરવ વીરડીયા તથા રાજકોટના ડો. દેવેન્દ્ર રાખોલીયા, ડો. વિરાણી, જાણીતા સાઈકીયાટ્રીસ્ટ ડો. ભાવેશ કોટક, ભાવનગરના ડો. આસિત સંઘવી, બરોડાના ડો.શ્રુજા નરોલા, સુરતના ડો.કરશન ગાભાણી પણ હતા.
સહિત તમામ મહાનુભાવો સહી સલામત છે. બનાવ સ્થળે કે આસપાસ બિલકુલ વરસાદ નથી. પરંતુ પુલ ઉપર આવેલ પહાડોમાં બનાવેલ સરોવર એક પછી એક તૂટતા પાણીનો પ્રચંડ પ્રવાહ ફરી વળેલો અને ચીની ઈમીગ્રેશન સેન્ટર પહોંચવા માટે જે બ્રીજ વપરાય છે તે તૂટી પડેલ. આ બ્રીજ સીક્સ ટ્રેક છે.
સૌરાષ્ટ્રના ૪૫ યાત્રાળુઓ કેમ્સ એન્ડ કોર્નરના સીઈઓ શ્રી અશ્વિન દેસાઈ સાથે કૈલાશ માનસરોવરની યાત્રાએ અને માનસરોવર પહોંચ્યા છે. ચીનમાં પ્રવેશવાનો ઈમીગ્રેશન પુલ તૂટી ગયા પછી પરત ફરવાના રસ્તા શું? તેની અત્યારે ચર્ચા ચાલી રહી છે. શ્રી અશ્વિન દેસાઈના કહેવા મુજબ હવે સુપ્રસિદ્ધ નેપાળના મુકિતનાથ મંદિરે દર્શન કરી જે નેપાળમાં આવેલ ભગવાન વિષ્ણુનું સૌથી મોટું મંદિર ગણાય છે, શાલીગ્રામ ત્યાં નીકળે છે.
એ રસ્તેથી પરત આવી શકાય જેનો ખર્ચ ૩૦ હજાર થાય છે. બોર્ડરથી નેપાળના જોમસોમ એરપોર્ટ ૪ કલાકમાં પહોંચી શકાય છે ત્યાંથી પોખારા – ખટમંડુ – નેપાળ થઈ દિલ્હી – મુંબઈ ફલાઈટ પકડી શકાય. જે માટે સાતેક કલાકનો સમય થાય છે. અહિં ટ્રકમાં સુતેલા નેપાળી શેરપા – ડ્રાઈવરો તણાઈ ગયાની ભીતિ સેવાઈ રહી છે. વ્હેલી સવારે બનેલ આ ઘટના જો દિવસમાં બની હોત તો ૩ થી ૪ હજાર લોકો આ હોનારતમાં હોમાઈ જાત તેમ જાણકારો કહે છે.
બે બીજા એક્ઝીટ પોઈન્ટ બીજા પણ છે પરંતુ તે ખર્ચાળ છે. એક લ્હાસાનો રસ્તો છે જયાંથી બહાર નીકળતા ૧ લાખ જેવો વધુ ખર્ચ થાય છે. આ ઉપરાંત જો ચીન દ્વારા કોદારી બોર્ડર ખુલ્લી મૂકવામાં આવે ત્યાંથી યાત્રાળુઓ સરળતાથી ભારત પરત ફરી શકે પરંતુ અહિં નેપાળનું ઈમીગ્રેશન સેન્ટર નથી, માત્ર ચીનનું જ ઈમીગ્રેશન સેન્ટર છે. બીજો રસ્તો હેલીકોપ્ટરનો છે પરંતુ ૪ લોકો માટે બહાર નીકળવા ૧૭૦૦ ડોલર જેવો ખર્ચ થાય છે, જે સહુને પરવડે નહિં.