હિમાચલમાં ૧૫ દિવસમાં વાદળ ફાટવાની ૧૯ ઘટના

(એજન્સી)નવી દિલ્હી , આ ચોમાસામાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સ્થિતિ વધુ કફોડી બની ગઇ છે. હિમાચલમાં ચોમાસુ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી ભુસ્ખલનની ૧૬, વાદળ ફાટવાની ૧૯ અને પૂરની ૨૩ ઘટનાઓ સામે આવી ચુકી છે અને મૃત્યુઆંક ૮૦ સુધી પહોંચવા આવ્યો છે.
મંગળવાર અને બુધવારે પણ આ પહાડી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં આ ચોમાસામાં સામાન્ય કરતા ૧૨૬ ટકા વધુ વરસાદ પડયો છે. ૧ જૂનથી ૭ જુલાઇ સુધી રાજ્યમાં ૧૮૩.૫ મીમી વરસાદ નોંધાયો છે.
ઝારખંડમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, રાજ્યના પાંચ જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાંચીમાં એક મકાન ધરાશાયી થતા એક ૧૨ વર્ષના સગીરનું મોત નિપજ્યું હતું. ઉત્તરાખંડમાં પણ હિમાચલ જેવા હાલ છે, ઉત્તરાખંડમાં યમુનોત્રી તરફ જતા ઓજરી પાસે નેશનલ હાઇવેનો પુલ પાણીમાં ધોવાઇ ગયો હતો. જેને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. અહીંના ચામોલીમાં પ્રશાસન દ્વારા ભુસ્ખલનનું એલર્ટ જાહેર કરાયું હતું.