Western Times News

Gujarati News

PM મોદીએ દલાઈ લામાને શુભેચ્છા પાઠવતા ચીન ધૂંધવાયું

મંત્રી રિજિજુ સહિતના નેતાઓની ધરમશાલામાં દલાઈ લામાના ૯૦માં જન્મદિવસે હાજરી સામે ચીનનો વિરોધ

બેઈજિંગ,  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાને રવિવારે તેમના ૯૦માં જન્મદિન પર શુભેચ્છા પાઠવી હતી. આ મામલે ચીનના પેટમાં ફરી તેલ રેડાયું છે અને સપ્તાહમાં બીજી વખત ભારત સામે વિરોધ નોંધાવ્યો છે.

દલાઈ લામાના જન્મદિવસની ઉજવણીના પ્રસંગે ભારતીય અધિકારીઓએ આપેલી હાજરી બાબતે પણ ચીને નારાજગી વ્યક્ત કરતા ભારતને તિબેટ સંલગ્ન મુદ્દાઓમાં બેઈજિંગની સંવેદનશિલતાની કદર કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. ચીનના વિદેશ મંત્રાલયની પ્રવક્તા માઓ નિંગે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે, તિબેટ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચીન સરકારની સ્થિતિ સ્પષ્ટ છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે દલાઈ લામાના જન્મદિવસના કાર્યક્રમમાં ભારતના સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ સહિત કેટલાક અધિકારીઓએ હાજરી આપી હતી. ચીન તિબેટને શિઝાંગ પ્રાંત તરીકે ઓળખાવે છે. માઓએ વધુમાં કહ્યું કે, ૧૪માં દલાઈ લામાને રાજકીય દેશવટો અપાયો છે અને તેઓ ઘણા સમયથી અલગતાવાદી પ્રવૃતિ સાથે સંકળાયેલા છે અને ધર્મની આડમાં શિઝાંગને ચીનથી અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભારતે આ મુદ્દે ચીન પ્રત્યે પ્રતિબદ્ધતાનું સન્માન કરવું જોઈએ. ચીને ભારત સામે દલાઈ લામાના જન્મદિવસ પર પીએમ મોદીએ આપેલી શુભેચ્છા તથા મંત્રીઓની હાજરીનો વિરોધ નોંધાવ્યો હતો. બ્રિક્સ સંમેલનમાં હાજરી આપવા બ્રાઝિલ પહોંચેલા ભારતના પીએમ મોદીએ રવિવારે દલાઈ લામાને જન્મદિવસની શુભેચ્છા આપતા એક્સ પર જણાવ્યું કે, તેઓ પ્રેમ, કરુણા, ધૈર્ય અને નૈતિક અનુશાસનના સ્થાયી પ્રતિક છે. તેમના ઉપદેશે તમામ ધર્માેમાં આદર અને પ્રશંસાને પ્રેરિત કર્યા છે.

અમે તેમના દિર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરીએ છીએ. હિમાચલ પ્રદેશના ધરમશાલા ખાતે દલાઈ લામાના ૯૦મા જન્મદિવસના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રિજિજૂ અને રાજીવ રંજન સિંઘ, અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ તથા સિક્કિમના મંત્રી સોનમ લામા હાજર હતા.ગત શુક્રવારે ચીને લઘુમતિ બાબતોના મંત્રાલયની વધારાની જવાબદારી ધરાવતા રિજિજુના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યાે હતો

જેમાં તેમણે જણાવ્યું કે, દલાઈ લામાના અવતારે તેમની ઈચ્છાઓને અનુસરવું જોઈએ અને ભારતે તિબેટ સંલગ્ન મુદ્દાઓ પર સાવચેતીપૂર્વક કામ કરવું જોઈએ જેથી દ્વિપક્ષીય સંબંધોમાં જોવા મળતો સુધારો પ્રભાવિત ના થાય.અગાઉ રિજિજુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઉત્તરાધિકારીની પસંદગીનો અધિકાર દલાઈ લામા તથા તેમના દ્વારા સ્થાપિત તિબેટિયન બૌદ્ધ ટ્રસ્ટના નેતાઓને છે, અન્ય કોઈને નથી. દલાઈ લામાએ પણ જણાવ્યું હતું કે તેમના ઉત્તરાધિકારીની જાહેરાતનો હક ફક્ત ગાદેન ફોરડંગ ટ્રસ્ટ પાસે છે. જેના જવાબમાં ચીને વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે, આગામી દલાઈ લામાની પસંદગી ચીન સરકારના નિયમો મુજબ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.