Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રની ઠગ ગેંગ શેરબજારમાં રોકાણના નામે કરી રહી હતી સાયબર ફ્રોડ

દુબઈથી ચાલતું ૩૩૫ કરોડનું રેકેટ ઝડપાયું: સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ

(એજન્સી)સુરત, ઊંચા વળતરની લાલચ આપી લોકોને ખંખેરતી સાયબર ગેંગનો પર્દાફાશ સુરત પોલીસે કર્યો છે. ૨૩૫ કરોડનાં ટ્રાન્ઝેકશન પણ મળી આવ્યા છે. બેંક ખાતાં સામે ૨૬ રાજ્યમાં ફરિયાદ દાખલ કરાઇ છે. સુરતમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો સુરત શહેર સાયબર ક્રાઈમ સેલે પર્દાફાશ કર્યો છે.

આ ગેંગે ૨૩૫ કરોડથી વધુનાં બેંક ટ્રાન્ઝેક્શન અને અંદાજિત ૧૦૦ કરોડના ‘આંગડિયા’ વ્યવહાર દ્વારા લોકોને શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આ છેતરપિંડીનો વ્યાપ એટલો મોટો છે કે જે બેંક એકાઉન્ટ મળ્યાં છે એની સામે દેશભરનાં ૨૬ રાજ્યમાં આ ગેંગ વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ છે.

આ ઠગ ગેંગ ઇનોવેટિવ ટ્રેડ’ જેવી બોગસ કંપનીઓ ઊભી કરીને લોકોને શેરબજારમાં રોકાણ કરવાથી અકલ્પનીય વળતર મળશે એવી લોભામણી વાતો કરતી હતી. તેઓ રોકાણકારોને દર મહિને ૭%થી ૧૧% જેટલું આકર્ષક રિટર્ન આપવાની લાલચ આપતા. આ સ્કીમમાં ઓછામાં ઓછા ૧૮ મહિના સુધી રોકાણ કરવું ફરજિયાત હતું. દુબઈથી નેટવર્ક ચાલતું હતું. કુલ ૧૧,૦૦૦ લોકો સ્કીમ સાથે જોડાયેલા છે.

આ છેતરપિંડીનો મૂળભૂત પાયો મલ્ટીલેવલ માર્કેટિંગ પિરામિડ સ્કીમ પર આધારિત હતો. જે ગ્રાહકો અન્ય નવા ગ્રાહકોને આ કંપનીમાં રોકાણ કરવા માટે આકર્ષિત કરતા, તેમને કંપની તરફથી તેમના રેન્ક મુજબ બોનસની લાલચ આપવામાં આવતી.

સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા ગત તા. ૨૧ જૂનના રોજ વીઆઈપી સર્કલ પાસે, ઉત્રાણ, સુરત શહેર ખાતે આવેલી ઇનોવેટિવ ટ્રેડની ઓફિસ નંબર ૯૧૪, બિÂલ્ડંગ બી, પ્રગતિ આઈ.ટી. પાર્ક પર ખાનગી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ જણાતાં રાજકોટ ખાતે શીતલ પાર્ક ચોક, ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલી ઓફિસ નંબર ૧૧૨૩, ૧૧મા માળ, ધ સ્પાયર-૨ પર પણ દરોડો પાડવામાં આવ્યો.

આ તપાસના આધારે સાયબર ક્રાઈમે ધી પ્રાઈઝ ચીટ મની સર્ક્‌યુલેશન સ્કીમ બેનિંગ એક્ટની કલમ-૪, ૫, ૬ તથા આઈ.ટી. એક્ટની કલમ-૬૬(ડી) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

પોલીસે આ કેસમાં અત્યારસુધીમાં ત્રણ મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જેમાં ડેનિશ ઉર્ફે હેમલ નવીનચંદ્ર દયાલાલ ધાનક (ઉંમર ૩૮) જયસુખભાઈ રામજીભાઈ જાદવભાઈ પટોળિયા (ઉંમર ૪૪) યશકુમાર કાળુભાઈ રામજીભાઈ પટોળિયા (ઉંમર ૨૫, જી. અમરેલી) સામેલ છે. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે, મુખ્ય આરોપી ડેનિશ તેના પિતા નવીનભાઈ અને ભાઈ દીપેન નવીનચંદ્ર ધાનક સાથે મળીને આ ધંધો ચલાવતો હતો.

હાલમાં અલ્પેશ લાલજીભાઈ વઘાસિયા, દીપેન નવીનચંદ્ર ધાનક, નવીનચંદ્ર દયાલાલ ધાનક, ઝરીત હિતેશભાઈ ગોસ્વામી, સૌરવ જયેશભાઈ સાવલિયા, હરીશ મકવાણા, વિપુલકુમાર કાંતિભાઈ સાવલિયા, તરુણભાઈ, વિશાલ ગૌરાંગભાઈ દેસાઈ, બંટી પરમાર અને મયૂર સોજીત્રા જેવા અન્ય આરોપીઓ ફરાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.