Western Times News

Gujarati News

મારવાડી પહેરવેશમાં વેશપલ્ટો કરી આરોપી પર વોચ રાખી રહી હતી પોલીસ અને…

પ્રતિકાત્મક

વરાછા રોડ ઉપર રૂ.રપ લાખ હીરાના પાર્સલ લૂંટાયા હતા, લૂંટારાને પકડવા પોલીસે ૧૭ દિવસ વોચ રાખી હતી-સુરત પોલીસે આંગડિયા પેઢીના લૂંટારાને વેશપલ્ટો કરીને રાજસ્થાનથી પકડયા

સુરત, સુરતમાં અમદાવાદની આર.મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારીઓને ટાર્ગેટ બનાવી લૂંટ ચલાવવામાં આવી હતી. વરાછાના વૈશાલી ત્રણ રસ્તા પર જ કર્મચારીને શિકાર બનાવી રપ લાખના હીરાનું પાર્સલ ચોરી કરી હતી. આ સમગ્ર કેસમાં વરાછા પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી હતી. ૧૭ દિવસ સુધી આ ગેંગને પકડવા માટે મારવાડી વેશ ધારણ કર્યો હતો. ત્યારબાદ બે આરોપીઓને ઝડપી પાડયા હતા.

૧૬ જૂનના રોજ રાત્રે પોણા અગિયાર વાગ્યે આર.મહેન્દ્ર આંગડિયામાં ડિલિવરીમેન તરીકે નોકરી કરતો પ્રફુલ્લ પરષોત્તમ પટેલ (રહે.લક્ષ્મીનારાયણ સોસાયટી, હીરાવાડી, બાપુનગર, અમદાવાદ)થી ર૪.૧૦ લાખના હીરા અને ૯૦,૬૧૦ રૂપિયાની કિંમતના સોનાના રપ પાર્સલની લૂંટ થઈ હતી. આગલી રાત્રે આજ પેઢીના બીજા કર્મચારીને આજ જગ્યા ઉપર બસમાંથી ઉતરીને ઊભો હતો ત્યારે કારમાં અપહરણ કરીને ૧૬.પ૬ લાખની લૂંટ કરાઈ હતી.

આ કિસ્સામાં આરોપી રાજસ્થાની હોવાની જાણ થતાં ચાર પોલીસ કર્મીઓની ટીમ રાજસ્થાન મોકલી એક ગુનાની તપાસ ચાલી રહી હતી તેના ૯ કલાકમાં બીજા કર્મચારીને ટાર્ગેટ કરી ચોરી કરી લેવાતા પોલીસ દોડતી થઈ હતી. પીએસઆઈ વીડી માળી, વિજયસિંહ, લાલાભાઈ અને સંદીપભાઈ સહિતના વરાછા પોલીસના કર્મચારીઓ ૧૭ દિવસ સુધી રાજસ્થાનમાં મારવાડી પહેરવેશમાં વેશપલ્ટો કરી આરોપી પર વોચ રાખી રહ્યા હતા.

આ દરમિયાન બે આરોપી બલવંતસિંહ ઉર્ફે બલ્લુ નેન્સીંગ રાજપૂતને રાજસ્થાનના ઝાલોર ખાતેથી અને ભવાનીસિંહ ઉર્ફે ભમાસા તનસી રાજપૂતને રાજસ્થાનના જોધપુર ખાતેથી ઝડપી પાડયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.