લો બોલો ! જિલ્લા પંચાયતની મિલ્કત જપ્ત કરવાનો હાલોલ કોર્ટનો આદેશ

શ્રી રામ કન્સ્ટ્રકશન કંપનીના રૂ.૨૪.૫૦ લાખની બાકી ચૂકવણી મામલે કોર્ટનું વોરંટ
ગોધરા, પંચમહાલ જિલ્લાના હાલોલ કોર્ટ દ્વારા વર્ષો જૂના પેમેન્ટ વિવાદમાં મહત્વપૂર્ણ નિર્ણય આપતા જિલ્લા પંચાયતની મિલ્કત જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વર્ષ ૧૯૯૪માં શ્રી રામ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આર એન્ડ બી વિભાગ હેઠળના માર્ગ નિર્માણનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, આ કામગીરી બાદ કંપનીને તેના કામગીરીના ચૂકવાણાં કરવામાં આવ્યા નહોતા.
આ મામલે વર્ષોથી પેમેન્ટ માટે પ્રયત્નશીલ શ્રી રામ કન્સ્ટ્રક્શન કંપનીએ અંતે હાલોલ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજો અને દલીલોના આધારે કોર્ટ દ્વારા આર એન્ડ બી (જિ.પં.) વિરુદ્ધ રૂ. ૨૪.૫૦ લાખની વસૂલાત માટે મિલ્કત જપ્તીનું વોરંટ જારી કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલે આર એન્ડ બી વિભાગના જિલ્લા પંચાયતના અધિકારીઓએ મૌખિક રીતે પેમેન્ટનો સ્વીકાર કર્યો હોવાનો દાવો થયો છે, તેમ છતાં હજુ સુધી તેમની તરફથી કાયદેસર લેખીત જવાબ અથવા મિલ્કત જપ્તી વોરંટ મળ્યું નથી.
આ મુદ્દે જિલ્લા પંચાયત કે આર એન્ડ બી વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, જોકે કોર્ટના આદેશને લઈને તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે આગળ શું પગલાં ભરે છે.