Western Times News

Gujarati News

બિલ ગેટ્‌સ ટોચની ૧૦ ધનિક વ્યક્તિઓની યાદીમાંથી બહાર

નવી દિલ્હી, એક સમયે બિલિયોનેરની યાદીમાં ટોચ પર રાજ કરનારા અબજોપતિ બિલ ગેટ્‌સ ટોચની ૧૦ ધનિક વ્યક્તિઓની યાદીમાંથી બહાર ફેંકાઈ ગયા છે.

છેલ્લા સાત દિવસમાં મૂડીમાં ૫૨ અબજ ડોલરથી વધુનું ધોવાણ થયું છે જેને પગલે તેઓ બ્લૂમબર્ગ બિલિયોનેરની યાદીમાં ૧૨મા સ્થાને આવી ગયા છે. જ્યારે ફોર્બ્સ બિલિયનરની યાદીમાં તો છેક ૧૫માં સ્થાને નોંધાયા છે, જેઓ ભારતના સૌથી શ્રીમંત મુકેશ અંબાણી કરતાં પણ નીચે છે, જેઓ આ યાદીમાં ૧૪માં સ્થાને છે.

બિલ ગેટ્‌સની ગત્ સોમવારે બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, કુલ સંપત્તિ ૧૨૪ અબજ ડોલર થઇ હતી, જે સાત દિવસ પહેલાં ૧૭૨ અબજ ડોલર હતી. આનો અર્થ એ થયો કે માઇક્રોસોફ્ટના ભૂતપૂર્વ સીઈઓએ છેલ્લા સાત દિવસમાં તેમની કુલ સંપત્તિના ૩૦ ટકા એટલે કે આશરે ઇં૫૨ અબજ ગુમાવ્યા હતા. ઇન્ડેક્સ અનુસાર સોમવારે બિલ ગેટ્‌સની કુલ સંપત્તિમાં ૩૫.૧ કરોડ ડોલરનો ઘટાડો થયો હતો.

ફોર્બ્સની બિલિયનર યાદી અનુસાર ગેટ્‌સની કુલ સંપત્તિ ૧૧૭.૧ અબજ ડોલરની હતી, જે આગલા દિવસની સામે ૩૭.૨ કરોડ ડોલરનો ઘટાડો દર્શાવતી હતી. બિલ ગેટ્‌સની સંપત્તિમાં અચાનક ઘટાડો ગેટ્‌સ ફાઉન્ડેશનને તેમના મોટા ચેરિટી યોગદાન અને દાનને કારણે થયો છે.

આ વર્ષે મે મહિનામાં એક બ્લોગમાં, માઇક્રોસોફ્ટના સહ-સ્થાપકએ શેર કર્યું હતું કે તેમની પાસે ૧૦૮ અબજ ડોલરની ચોખ્ખી સંપત્તિ છે અને તેમણે આગામી ૨૦ વર્ષમાં લગભગ બધી જ ચેરિટીમાં દાન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

તેમના તાજેતરના નુકસાનને કારણે ગેટ્‌સ બર્કશાયર હેથવેના સીઈઓ વોરેન બફેટ, ગૂગલ-પેરેન્ટ આલ્ફાબેટના સહ-સ્થાપક લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન, એલવીએમએચ સીઈઓ બર્નાર્ડ આર્નાેલ્ટ અને એનવિડિયા સીઈઓ જેન્સન હુઆંગ કરતાં પાછળ રહી ગયા છે.

૨૦૧૪માં માઈક્રોસોફ્ટ સીઈઓ પદ છોડી દેનારા સ્ટીવ બાલ્મર હવે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં ૧૭૨ અબજ ડોલરની નેટવર્થ સાથે ૫માં સ્થાને છે.એલન મસ્કની સંપત્તિમાં કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના પ્રારંભથી અત્યાર સુધીમાં રેકોર્ડ ૮૭ અબજ ડોલરનું ધોવાણ થયું છે.

ગત્ સોમવારે શેરના ભાવમાં ૭ ટકાનો કડાકો નોંધાયો ત્યારે નેટવર્થમાં ૧૫ અબજ ડોલરનો ઘટાડો થયો હતો. છેલ્લા છ મહિનામાં જંગી ધોવાણ થવા છતાં તેઓ હજી પણ વિશ્વના સૌથી વધુ ધનિક વ્યક્તિ રહ્યા છે. ફોર્બ્સ બિલિયોરનની યાદી અનુસાર તેઓની છેલ્લે કુલ નેટવર્થ ૩૯૩.૧ અબજ ડોલરની તો બ્લૂમબર્ગ બિલિયોનેર અનુસાર ૩૬૧ અબજ ડોલર હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.